JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભરૂચના આમોદમાં આવાસ યોજનાના પ્લોટ રદ થતા વિવાદ, તંત્રના દરવાજે ભજન ગાઈ અનોખો વિરોધ

ભરૂચના આમોદમાં આવાસ યોજનાના પ્લોટ રદ થતા વિવાદ, તંત્રના દરવાજે ભજન ગાઈ અનોખો વિરોધ
ભરૂચના માંગરોળ ગામે આવાસ યોજનાના ૧૬ પ્લોટ અચાનક રદ કરાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. સરપંચ અને ગ્રામજનોએ આમોદ તાલુકા પંચાયત કચેરીએ 'શ્રી રામ જય રામ'ના ભજનો ગાઈને ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માંગરોળ ગામે વહીવટી તંત્રની મનસ્વી નીતિના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે. આદિવાસીઓના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ગ્રામજનો માટે વિશેષ આવાસ યોજનાના પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે ગરીબ પરિવારોમાં પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થવાની આશા જાગી હતી. પરંતુ કુલ ૩૬ મંજૂર થયેલા આવાસો પૈકી અચાનક ૧૬ આવાસના હુકમો રદ કરી દેવામાં આવતા ગ્રામજનો અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે મોટો વિવાદ વકર્યો છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે માંગરોળ ગામના સરપંચ, મોટી સંખ્યામાં ગ્રામજનો અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા. તંત્રની બેદરકારી અને મનસ્વી નિર્ણય વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કરવા માટે તમામે તાલુકા વિકાસ અધિકારી (TDO) ની કચેરીના મુખ્ય દરવાજા અને ગેટ બહાર બેસીને ધરણાં પ્રદર્શન શરૂ કર્યું હતું. આ આંદોલન દરમિયાન આશ્ચર્યજનક અને પ્રશંસનીય બાબત એ રહી કે, આંદોલનકારીઓએ કોઈ પણ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર કરવાને બદલે 'શ્રી રામ જય રામ જય જય રામ' ના ભજનો ગાઈને તંત્ર સામે અનોખી રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગાંધીજીના માર્ગે ચાલીને શાંતિપૂર્ણ રીતે ભજનો ગાઈને જવાબદાર અધિકારીઓને સદબુદ્ધિ પ્રાપ્ત થાય તેવા સચોટ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આંદોલનકારીઓની મુખ્ય માંગણી છે કે ગરીબ પરિવારોના છીનવી લેવાયેલા ૧૬ આવાસના પ્લોટના હુકમો વહેલી તકે પુનઃ મંજૂર કરવામાં આવે. ગરીબોના માથેથી છત છીનવી લેવા પાછળનું અસલી કારણ શું છે તે અંગે સંબંધિત અધિકારીઓએ સ્પષ્ટતા કરવી જ પડશે. જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ સંતોષકારક કે યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગરીબોના હિત માટે શરૂ થયેલી આ લડાઈ હવે આમોદ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES