JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ખંભાળિયા બાર એસોસિએશનની ચૂંટણી મુદ્દે બાર કાઉન્સિલ લાલઘૂમ, ત્રણ દિવસમાં નોટિફિકેશન બહાર પાડવા આદેશ

ખંભાળિયા બાર એસોસિએશનની ચૂંટણી મુદ્દે બાર કાઉન્સિલ લાલઘૂમ, ત્રણ દિવસમાં નોટિફિકેશન બહાર પાડવા આદેશ
ખંભાળિયા બાર એસોસિએશન દ્વારા ચૂંટણી યોજવામાં ગંભીર બેદરકારી દાખવતા ગુજરાત બાર કાઉન્સિલની સ્પેશિયલ કમિટીએ પ્રમુખ અને સેક્રેટરીને ત્રણ દિવસમાં ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવા કડક આદેશ કર્યો છે.

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રાજ્યની તમામ બાર એસોસિએશનોની ચૂંટણીઓ નિયત સમયપત્રક મુજબ યોજવા માટે અગાઉથી જ સ્પષ્ટ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત આગામી ૧૮ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ ચૂંટણી યોજવાનું નક્કી કરાયું હતું. પરંતુ, ખંભાળિયા બાર એસોસિએશનના વર્તમાન પ્રમુખ અને સેક્રેટરી દ્વારા સમયસર ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવાના બદલે મતદાર યાદી તૈયાર કરવામાં અને ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં ભારે બેદરકારી દાખવવામાં આવી હતી. આ ગંભીર લાપરવાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક એડવોકેટ સંજય વી. અંબાલિયા દ્વારા ગુજરાત બાર કાઉન્સિલ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે કમિટીએ આ કડક પગલું ભર્યું છે.

બાર કાઉન્સિલની કલમ ૪૯(જી) હેઠળ રચાયેલી સ્પેશિયલ કમિટી સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં એસોસિએશન તરફથી કોઈ પણ હોદ્દેદાર હાજર રહ્યા નહોતા. કમિટીએ પ્રમુખ અને સેક્રેટરીની ગેરહાજરી અને બાર કાઉન્સિલના આદેશો પ્રત્યેની ઉદાસીનતાની ગંભીર નોંધ લીધી હતી. કમિટીના આદેશ મુજબ, જો ખંભાળિયા બાર એસોસિએશન આગામી ત્રણ દિવસમાં ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં નિષ્ફળ જશે, તો બાર કાઉન્સિલ દ્વારા સ્વતંત્ર ચૂંટણી કમિશનરની નિમણૂક કરીને ચૂંટણી યોજવામાં આવશે. આ હુકમથી એ સ્પષ્ટ સંદેશો મળી ગયો છે કે કોઈ પણ હોદ્દેદાર પોતાની મનમાનીથી વકીલોના લોકશાહી અધિકારોનું હનન કરી શકશે નહીં.

આ સમગ્ર પ્રકરણ અંગે પ્રતિક્રિયા આપતા એડવોકેટ સંજય અંબાલિયાએ જણાવ્યું હતું કે આ લડાઈ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ બાર એસોસિએશનના તમામ સભ્યોના લોકશાહી હકો અને પારદર્શિતા માટેની છે. બાર એસોસિએશન એ કોઈ વ્યક્તિગત મિલકત નથી પરંતુ તમામ વકીલ મિત્રોની લોકશાહી સંસ્થા છે, અને તેના હોદ્દેદારોએ પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન રહેવું અનિવાર્ય છે. વકીલ આખી ચૂંટણી પ્રક્રિયામાં હવે કોઈ પણ પ્રકારનું વિલંબ કે મનસ્વી વલણ ચલાવી લેવામાં નહીં આવે અને બાર કાઉન્સિલના આદેશોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES