JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

પંજાબમાં સીએમ ભગવંત માનનું શંખનાદ: મોગા રેલીથી 2027ની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

પંજાબમાં સીએમ ભગવંત માનનું શંખનાદ: મોગા રેલીથી 2027ની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
મોગામાં ઉમટેલી બે લાખથી વધુ લોકોની વિશાળ જનમેદની વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને ‘કામની રાજનીતિ’ના આધારે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો છે. તેમણે સરકારની ઉપલબ્ધિઓ ગણાવીને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

પંજાબના મોગા ખાતે યોજાયેલી ‘ખુશહાલ પંજાબ’ મહારેલીમાં આમ આદમી પાર્ટી (આપ) સરકારની કામગીરીની રાજનીતિનું શક્તિશાળી પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વિક્રમી જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભગવંત સિંહ માને જણાવ્યું હતું કે જ્યારે સરકારની દાનત સાચી હોય ત્યારે પોકળ સૂત્રોચ્ચાર કરવા પડતા નથી, પરંતુ જનતા કામોના આધારે સમર્થન આપે છે. તેમણે દાવો કર્યો હતો કે પંજાબ હવે ખાલી વાયદાઓ પાછળ ભાગવાને બદલે વિકાસ અને સમૃદ્ધિની પસંદગી કરી રહ્યું છે. શૂન્ય વીજળી બિલ, લાંચ વિના પારદર્શક રીતે મળેલી 77,000થી વધુ સરકારી નોકરીઓ, છેવાડાના ખેતરો સુધી પહોંચેલું નહેરનું પાણી, રૂા. 10 લાખ સુધીની મફત આરોગ્ય સુરક્ષા અને મહિલાઓ માટેની આર્થિક સહાય જેવા કાર્યોથી જનતા સીધી લાભાન્વિત થઈ છે.

મુખ્યમંત્રીએ શિરોમણી અકાલી દળ, કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે દાયકાઓ સુધી સત્તા ભોગવનારા આ પક્ષો પંજાબના વિકાસમાં નિષ્ફળ રહ્યા છે અને હવે ‘આપ’ સરકારના કામોથી ગભરાઈને એક થઈ રહ્યા છે. આગામી 8 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો ઉલ્લેખ કરતા તેમણે કટાક્ષ કર્યો હતો કે વર્ષો સુધી એકબીજાની ટીકા કરનારા નેતાઓ હવે પંજાબની જનતાને જવાબ આપવાના બદલે પોતાના રાજકીય સ્વાર્થ માટે મંચ શેર કરી રહ્યા છે. ખેડૂત આંદોલન અને રાજ્યના અધિકારો અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની સરકાર પંજાબના હિતો અને શહીદોના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં તેમજ હંમેશાં અડીખમ ઊભી રહેશે.

રેલીના અંતે મુખ્યમંત્રીએ જનતા સાથે અનૌપચારિક સંવાદ કરીને શૂન્ય વીજળી બિલ અને આરોગ્ય વીમા યોજના અંગેનો પ્રતિસાદ મેળવ્યો હતો, જેને જનમેદનીએ ભારે ઉત્સાહ સાથે વધાવી લીધો હતો. તેમણે મતદારોને અપીલ કરી હતી કે ચૂંટણી સમયે વિરોધ પક્ષો ગમે તેટલા પ્રલોભનો આપે, પરંતુ મતદાન કરતી વખતે ‘ઝાડુ’નું બટન દબાવીને પંજાબના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતી સરકારને ફરી જીતાડો. આ ઐતિહાસિક જનસમર્થનથી વિરોધ પક્ષો અત્યારથી જ પોતાની હાર સ્વીકારી ચૂંક્યા હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો હતો.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES