JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે સદર બજારમાં જાહેરમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે સદર બજારમાં જાહેરમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટના સદર બજાર વિસ્તારમાં છૂટક સફાઈ કામદારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જાહેરમાં ફિનાઈલ પી લીધું હતું. આ ગંભીર ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોલીસની નિષ્ક્રિયતા પર ગંભીર આક્ષેપો કર્યા છે.

રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેનું વધુ એક કાળજું કંપાવનારું ઉદાહરણ સદર બજાર વિસ્તારમાંથી સામે આવ્યું છે. ભીલવાસમાં આવેલા ઠક્કરબાપા નગરમાં રહેતા અને છૂટક સફાઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અજય જગદીશભાઈ વાણીયા નામના ૩૨ વર્ષીય યુવકે જાહેરમાં ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બપોરના સમયે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે માનવતા દાખવીને પીડિત યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત પર ડોક્ટરો નજર રાખી રહ્યા છે.

હોસ્પિટલના બિછાનેથી યુવકે પોતાની આપવીતી જણાવતા વ્યાજખોરોની જોહુકમીનો પર્દાફાશ કર્યો હતો. પીડિતના જણાવ્યા અનુસાર, તેના પિતા દ્વારા અગાઉ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી નાણાં ઉછીના લેવામાં આવ્યા હતા, જેની ઉઘરાણીના બહાને વ્યાજખોરો દ્વારા પરિવારને અવારનવાર માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતો હતો. આ ત્રાસ હદ વટાવી જતાં અજયે અગાઉ પણ પોલીસ મથકે લેખિત અરજી આપીને ન્યાયની ગુહાર લગાવી હતી. પરંતુ પોલીસ દ્વારા આ મામલે કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા વ્યાજખોરોના હૌસલા વધુુલ બુલંદ થયા હતા અને તેઓ સતત નાણાં માટે દબાણ કરી રહ્યા હતા.

પોલીસ તંત્રની કથિત ઉદાસીનતા અને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે આ યુવકે આત્યંતિક પગલું ભરવા મજબૂર બનવું પડ્યું હતું. સિવિલ હોસ્પિટલ ચોકીના માધ્યમથી આ સમગ્ર પ્રકરણની જાણ પ્ર.નગર પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે, જેના પગલે પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અજય દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની સત્યતા ચકાસવા માટે પોલીસે અગાઉ થયેલી અરજી અને તેના પર થયેલી કાર્યવાહીની ફાઈલો ખોલી છે. વ્યાજખોરો સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ સાથે આ મામલે પોલીસ તપાસ બાદ જ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવશે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES