સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સકંજ મજબૂત કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં એસઓજી (SOG) ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધમરાળા ગામની સીમમાં આવેલા સેજકપર વિસ્તારના એક ખેતર પર મધરાતે સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. પીઆઈ વાય.પી. પટેલ અને પીએસઆઈ ઝેડ.એલ. ઓડેદરા સહિતની સક્રિય ટીમે સરકારી પંચો અને તોલાટની ઉપસ્થિતિમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું, જે દરમિયાન પોલીસને મોટી સફળતા હાંસલ થઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ખેતર ૧૮ વર્ષીય દેવસંગભાઈ રમેશભાઈ શેખના કબજા ભોગવટાનું હોવાનું બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન ખેતરમાં પડેલી કપાસની ગાંસડીઓ પાસે શંકાસ્પદ હાલતમાં મૂકેલા સફેદ રંગના પોટકાની તલાશી લેવામાં આવી હતી. સ્થળ પર જ એફએસએલ (FSL) અધિકારીઓને બોલાવીને પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ પદાર્થ પ્રતિબંધિત સૂકો ગાંજો હોવાનું સત્તાવાર રીતે નિશ્ચિત થયું હતું. તોલાટ દ્વારા તેનું ચોક્કસ વજન કરવામાં આવતા કુલ ૫.૩૯૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજારમાં અંદાજે કિંમત રૂપિયા ૨,૬૯,૫00 જેટલી થાય છે.
સમગ્ર મામલે પોલીસે એનડીપીએસ એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી છે અને કાયદેસરની પ્રક્રિયા મુજબ સમગ્ર મુદામાલને સીલ કરીને કબજે લેવામાં આવ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ પાછળ અન્ય કોઈ શખ્સો કે મોટા રેકેટની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. સાયલા પંથકમાં અગાઉ પણ લીલો અને સૂકો ગાંજો પકડાવાના બનાવો સામે આવ્યા હોવાથી, આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
