મુંબઈ પોલીસને હંફાવનાર અનેક બોમ્બ ધમકીઓ પાછળ રહેલા એક મોટા કાવ્યંત્રનો પર્દાફાશ થયો છે. મુંબઈ પોલીસની સતર્કતા અને ગુપ્ત માહિતીના આધારે તમિલનાડુ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ મોટી કાર્યવાહી કરી છે. તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના વતની અને યુએસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા ૨૮ વર્ષીય શરથ સુબ્રમણ્યન શંકરની ચેન્નાઈ એરપોર્ટ પરથી કસ્ટડી લેવામાં આવી છે. આ આરોપી જુલાઈ મહિનામાં જ યુએસથી ભારત પરત ફર્યો હતો. આ શખ્સે મુંબઈની બીએમસી ઓફિસ, મેટ્રો સ્ટેશનો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, અદાલતો, શાળાઓ અને બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા સહિતના અનેક જાણીતા અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવીને હુમલાની ચેતવણી આપતા ઈમેલ મોકલ્યા હતા.
આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમે અનોખી યુક્તિ વાપરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસ અધિકારીએ આરોપીના જ એક ઈમેલમાંથી મળેલી કડીના આધારે તેની સાથે સંપર્ક સાધ્યો હતો. પોલીસ અધિકારી સાથે વાતચીત કરતી વખતે શંકરે અજાણતામાં પોતાની અંગત ઈમેલ આઈડીનો જ ઉપયોગ કરી લીધો હતો અને તેને ખ્યાલ સુદ્ધા નહોતો કે તે કોઈ પોલીસ અધિકારી સાથે વાત કરી રહ્યો છે. આ એક ભૂલ તેના માટે ભારે સાબિત થઈ અને પોલીસને તેની સાચી ઓળખ મળી ગઈ. મુંબઈ પોલીસે તુરંત જ આ મહત્વપૂર્ણ વિગતો તમિલનાડુ પોલીસ સાથે શેર કરી હતી, જેના આધારે એરપોર્ટ પર જ તેને પકડી પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન આ તમામ ૧૫૦૦ ધમકીઓ માત્ર અફવા અને ખોટી સાબિત થઈ હતી.
છેલ્લા બે વર્ષથી દેશભરની વિવિધ મહત્વપૂર્ણ સંસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓને પરેશાન કરનાર આ ટેકીની ધરપકડ બાદ હવે તેના અસલી ઈરાદાઓ શું હતા તે જાણવા માટે કાયદાકીય કાર્યવાહી તેજ કરવામાં આવી છે. હાલ આરોપી તમિલનાડુ પોલીસની કસ્ટડીમાં છે અને મુંબઈ પોલીસ દ્વારા પણ તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આટલી મોટી સંખ્યામાં ખોટા ધમકીભર્યા સંદેશાઓ મોકલીને સિસ્ટમમાં ડર ફેલાવનાર આ યુવક વિરુદ્ધ કડક કાનૂની પગલાં લેવામાં આવશે. આ ઘટના સાબિત કરે છે કે ગમે તેટલી હોશિયારીથી સાયબર ક્રાઈમ કરવામાં આવે, પણ કાયદાના લાંબા હાથ અંતે આરોપી સુધી પહોંચી જ જાય છે.
