JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

હત્યાના પ્રયાસના ગુનામાં ચાર્જશીટ પહેલા જ આરોપીને મળી રાહત, કોર્ટે જામીન અરજી મંજૂર કરી

હત્યાના પ્રયાસના ગુનામાં ચાર્જશીટ પહેલા જ આરોપીને મળી રાહત, કોર્ટે જામીન અરજી મંજૂર કરી
કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં જામનગરની અદાલતે ચાર્જશીટ દાખલ થાય તે પૂર્વે જ આરોપી મુનાફ ઉર્ફે મુસાભાઈ ઓડિયાની જામીન અરજી મંજૂર કરી તેને મુક્ત કરવાનો આુકમ કર્યો છે.

રાજકોટના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન હનુમાન દાદાની ડેરી પાસે એક ગંભીર મારામારીની ઘટના બની હતી. ફરિયાદી મનોજભાઈ ગોહિલ પર જૂની અદાવતના અદાવત રાખીને પૂર્વ આયોજિત કાવતરા હેઠળ છરી, ધોકા અને લોખંડના પાઇપ જેવા ઘાતકી હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ફરિયાદીને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ચકચારી કેસમાં આરોપી મુનાફ ઉર્ફે મુસાભાઈ હારુનભાઈ ઓડિયાની ધરપકડ કરવામાં આવી હતી, જેની વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સોહિલ એચ. સમા અને તેમની કાનૂની ટીમે અદાલતમાં પ્રભાવશાળી દલીલો રજૂ કરી હતી. બચાવ પક્ષના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે અરજદારની ભૂમિકા સમગ્ર પ્રકરણમાં તદ્દન મર્યાદિત છે અને ફરિયાદી દ્વારા માત્ર મુક્કા-લાત માર્યાનો જ આક્ષેપ છે, જ્યારે શરીરના કોઈ પણ મર્મસ્થાન પર ગંભીર ઘા મારવામાં આવ્યા નથી. વધુમાં, ઇજાગ્રસ્તને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી ચૂકી છે અને આરોપી કાલાવડનો કાયમી રહેવાસી હોવાથી નાસી છૂટવાની કોઈ શક્યતા ન હોવાની રજૂઆત કરી હતી.

સરકારી વકીલ દ્વારા તપાસ ચાલુ હોવાનું જણાવી જામીન અરજીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ જામનગરની અધિક જિલ્લા અને સેશન્સ અદાલતે બંને પક્ષોની દલીલો તેમજ પોલીસ રેકોર્ડનું ઊંડાણપૂર્વક અવલોકન કર્યું હતું. અદાલતે આરોપીની ગુનામાં મર્યાદિત ભૂમિકા, ઇજાઓનું સ્વરૂપ અને વ્યક્તિગત સ્વતંત્રતાના બંધારણીય અધિકારને માન આપીને લાંબી ટ્રાયલ સુધી જેલમાં રાખવું એ પ્રિ-ટ્રાયલ પનિશમેન્ટ સમાન ગણીને રૂા. ૨૫,૦૦૦ના જામીન પર મુક્ત કરવાનો ન્યાયિક હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવ માટે એડવોકેટ સોહિલ એચ. સમા સાથે એસોસિયેટ મનીષભાઈ ડી. રાઠોડ અને રાજેશભાઈ જે. ગોહિલે વકીલાતની ફરજ બજાવી હતી.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES