જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર ગઈકાલે અચાનક જ બે આખલાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સતત વાહનવ્યવહારથી ધમધમતા આ વ્યસ્ત રસ્તા પર બંને પશુઓ લાંબા સમય સુધી સામસામે બાખડતા રહ્યા હતા, જેને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આખલાઓની આ લડાઈ એટલી ઉગ્ર હતી કે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ જીવ બચાવવા માટે સુરક્ષિત અંતર જાળવવું પડ્યું હતું.
આ અણધારી ઘટનાને કારણે હીરજી મિસ્ત્રી રોડ પર બંને તરફનો ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. રસ્તાની આસપાસ અનેક વાહનો પાર્ક કરેલાં હોવાથી, આખલાઓની આક્રમક અડફેટે સાઇકલ અને સ્કૂટર સહિતનાં કેટલાંક ટુ-વ્હીલર વાહનોને નુકસાન પણ પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. વાહનચાલકો અને રાહદારીઓ લા લાચાર બનીને આખલાઓ શાંત પડે તેની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે કેટલાક સાહસિક લોકોએ પોતાના વાહનોને નુકસાનમાંથી બચાવવા અને તેમને ખસેડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા રખડતાં ઢોરના ત્રાસને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ અને કચવાટ જોવા મળી રહ્યો છે. આખલાઓનું આ યુદ્ધ લાંબો સમય ચાલ્યા બાદ આખરે સ્થાનિક લોકો દ્વારા પાણીનો છંટકાવ સહિતના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના પછી બંને પશુઓ છૂટા પડ્યા હતા. આખલાઓ છૂટા પડ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ધીમે-ધીમે વાહનવ્યવહારૂર્વવત થયો હતો, પરંતુ આ ઘટનાએ તંત્રની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે.
