માણસ અને શ્વાન વચ્ચેનો સંબંધ માત્ર માલિક અને પાલતુ પ્રાણી પૂરતો મર્યાદિત નથી હોતો, પરંતુ અનેક પરિવારોમાં શ્વાન પરિવારના એક અતૂટ સભ્યનું સ્થાન ધરાવે છે. ઘરના આંગણામાં રમતું, માલિકની રાહ જોતું અને નિઃસ્વાર્થ વફાદારી નિભાવતું આ અબોલ પ્રાણી જ્યારે દુનિયામાંથી વિદાય લે છે, ત્યારે માલિકો માટે તે વિયોગ અસહ્ય બની જાય છે. અમરેલી શહેરના પાદરમાં આવેલા ઠેબી જળાશયના રાજકોટ તરફ જતા જૂના રોડના કાંઠે આવી જ લાગણીઓની અનોખી સાક્ષી જોવા મળી રહી છે, જ્યાં શ્વાનપ્રેમીઓ દ્વારા પોતાના વ્હાલા પાલતુ શ્વાનની સ્મૃતિમાં ખાસ સમાધિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અહીં એક-બે નહીં પરંતુ અંદાજે ૮ થી ૧૦ જેટલી શ્વાનોની સમાધિઓની હારમાળા નજરે પડે છે, જે સામાન્ય માનવીની જેમ જ અબોલ જીવ પ્રત્યેના આદર અને પ્રેમની સાક્ષી પૂરે છે. આ માટી અને પથ્થરથી બનેલી સાદી રચનાઓ નથી, પરંતુ વર્ષો સુધી સાથ નિભાવનાર પાલતુ શ્વાન સાથે જોડાયેલી યાદો અને અવિસ્મરણીય ક્ષણોનું પવિત્ર સ્મૃતિસ્થાન છે. વિશેષ વાત એ છે કે દરેક સમાધિ પર મૃત્યુ પામેલા શ્વાનનો ફોટો, તેનું નામ અને મૃત્યુ તારીખ પણ અંકિત કરવામાં આવે છે, જેથી વર્ષો વીતી ગયા બાદ પણ તેની ઓળખ અને તેની સાથે જોડાયેલી યાદો હંમેશાં જીવંત રહી શકે.
આ સમાધિઓ માત્ર સ્મારક બનીને નથી રહી, પરંતુ શ્વાનપ્રેમી માલિકો પોતાના પાલતુ શ્વાનના પુણ્યતિથિ કે મૃત્યુદિને અહીં પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ પ્રસંગે ભૂતકાળની યાદો તાજી થતાં અનેક માલિકોની આંખો અશ્રુભીની થઈ જાય છે, જે દર્શાવે છે કે પરિવારના સભ્ય સમાન આ જીવની ગેરહાજરી તેમના હૃદયમાં કાયમ માટે કોતરાયેલી છે. આ સ્થળેથી પસાર થતા રાહદારીઓ પણ થોડી ક્ષણો માટે અટકીને આ દ્રશ્ય નિહાળે છે, જ્યાં શ્વાનની વફાદારી અને માલિકના અનહદ પ્રેમનો આ અદ્ભુત સંગમ માનવીય સંવેદનાનું એક અત્યંત પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
