હૈદરાબાદના અશોક નગર સ્થિત પ્રખ્યાત બાવર્ચિ હોટલ ખાતે શુક્રવારે સાંજે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ અને તોડફોડની ઘટના બની હતી. બીઆરએસના યુવા નેતાઓ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પૂર્વે આપવામાં આવેલા રોજગારીના વચનોની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે સરકારની નિષ્ફળતા યાદ અપાવવા એકત્રિત થયા હતા. આ દરમિયાન ત્યાં પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો સાથે માથાકૂટ વધી જતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દળને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
આ ઘટના બાદ બીઆરએસના કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામારાવ (કેટીઆર)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા યુવાનોના સપના સાથે વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ કર્યો હતો. કેટીઆરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ રાહુલ ગાંધીએ બેરોજગાર યુવાનોને બે લાખ નોકરીઓ આપવા અને જોબ કેલેન્ડર સહિતના મોટા મોટા દાવા કર્યા હતા, જે તમામ વાયદાઓ માત્ર ફોટો સેસ અને રાજકીય સ્ટંટ સાબિત થયા છે. તેમણે ઉમેર્યું હતું કે તેલંગાણાના લડાયક યુવાનો કોંગ્રેસના આ ખોટા વચનો અને બેજવાબદાર વલણને ક્યારેય ભૂલશે નહીં અને જરૂર પડ્યે ફરી મોટો સંઘર્ષ છેડશે.
આ સાથે જ કેટીઆરે બંધારણ દિવસના સંદર્ભમાં કોંગ્રેસ પર લોકશાહી મૂલ્યોના હનનનો ગંભીર આરોપ મૂક્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે વિપક્ષી નેતાઓ નાગરિક અધિકારોનો ઉપયોગ કરીને સત્તાધીશોને સવાલો પૂછે છે, ત્યારે શાસક પક્ષના કાર્યકરો દ્વારા હિંસા અને તોડફોડ કરવામાં આવે છે જે અત્યંત શરમજનક છે. રાષ્ટ્રીય સ્તરે બંધારણની મોટી મોટી વાતો કરતી કોંગ્રેસ પોતાના જ રાજ્યમાં વિપક્ષના વિરોધ કરવાનો લોકશાહી અધિકાર કેમ છીનવી રહી છે? આ ઘટનાએ તેલંગાણાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં બેરોજગારી તથા રાજકીય સ્વતંત્રતાનો મુદ્દો વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
