કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થયાને સાત મહિનાનો લાંબો સમય વીતી ગયો છે, છતાં મુખ્ય વિરોધ પક્ષ ગણાતી કોંગ્રેસ પોતાના આઠ ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી વિપક્ષી નેતાનું પદ નક્કી કરવામાં સંપૂર્ણપણે વામણી સાબિત થઈ છે. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની બેઠકો અગાઉના તેરથી ઘટીને આઠ પર આવી ગઈ હતી, જેના પગલે પક્ષની સ્થિતિ પહેલેથી જ નબળી પડી હતી. આ હારમાંથી બેઠા થવાને બદલે પક્ષના નેતાઓ આંતરિક ડખો અને શીતયુદ્ધમાં વ્યસ્ત રહ્યા છે. ચાર મહિના અગાઉ વિપક્ષી નેતાની પસંદગી માટે કાઉન્સિલરોની સેન્સ લેવામાં આવી હોવા છતાં પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા પક્ષની આંતરિક ફૂટ અને જૂથવાદ ખુલ્લેઆમ સપાટી પર આવી ગયા છે.
પક્ષના આંતરિક વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહાનગરપાલિકામાં લઘુમતી સમુદાયના કાઉન્સિલરોનું સંખ્યાબળ વધારે હોવાથી તેમાંથી જ કોઈને વિપક્ષી નેતા બનાવવાની પ્રબળ માંગ ઉઠી છે. જોકે, બીજી તરફ જિલ્લા કોંગ્રેસમાં હોદ્દો ધરાવતા એક કાઉન્સિલરને વિપક્ષી નેતા બનાવવા માટે પ્રદેશ કક્ષાએથી અંદરખાને ભારે મથામણ ચાલી રહી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સ્થાનિક કાઉન્સિલરો અને જૂના અનુભવી સભ્યોની માંગણીને બાજુ પર રાખીને જો અન્ય કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે તો આગામી દિવસોમાં પક્ષને મોટું રાજકીય નુકસાન સહન કરવું પડશે તેવી ચેતવણી પણ કાર્યકરો દ્વારા આપવામાં આવી છે. આ બે અલગ-અલગ દાવેદારીઓ વચ્ચેની ખેંચતાણને લીધે જ આ મહત્વપૂર્ણ પદ છેલ્લા કેટલાય મહિનાઓથી લટકતું રહ્યું છે.
આ સ્થિતિ માત્ર પક્ષકીય સંગઠન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેના કારણે સામાન્ય પ્રજાના મૂળભૂત પ્રશ્નો પણ ગ્રહણ લાગી ગયું છે. મહાનગરપાલિકામાં પાણી, ગટર, પાકા રસ્તા, સ્ટ્રીટલાઈટ અને સિટી બસ જેવા રોજિંદા પ્રશ્નોને શાસક પક્ષ સામે અસરકારક રીતે ઉઠાવવા માટે સત્તાવાર વિપક્ષી નેતૃત્વ હોવું અનિવાર્ય છે. કાઉન્સિલરો અને આગેવાનોએ પ્રદેશ નેતાગીરી સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા ઉચ્ચ નેતૃત્વની કાર્યશૈલી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ કોંગ્રેસ જૂથવાદથી ઉપર ઉઠીને ક્યારે આ અંગે કોઈ નક્કર નિર્ણય લે છે અને 'સેનાપતિ વિનાની સેના' બનેલી કોંગ્રેસને ક્યારે તેનો સત્તાવાર અવાજ મળે છે.
