JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

બનાસકાંઠાના ખારીયા ગામમાં કપાસના ખેતરમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડ ઝડપાયા

બનાસકાંઠાના ખારીયા ગામમાં કપાસના ખેતરમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડ ઝડપાયા
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ખારીયા ગામની સીમમાં કપાસના વાવેતરની આડમાં ચાલતા ગેરકાયદે ગાંજાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડીને લાખોની કિંમતના 64 ગાંજાના છોડ સાથે એક ખેડૂતની ધરપકડ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા ખારીયા ગામની સીમમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ખારીયા ગામની સીમમાં નેકાખાડ તરીકે ઓળખાતા ખેતરમાં રાજુભા કાણુભા વાઘેલા નામના ખેડૂતે મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ તેની આડમાં બિનઅધિકૃત રીતે માદક પદાર્થ ગાંજાનું ગેરકાયદે ઉત્પાદન શરૂ કર્યું હતું. આ મામલે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ખેતરના માલિક દ્વારા કપાસના છોડની વચ્ચે છૂટાછવાયા આ માદક પદાર્થ ઉગાડવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક પોલીસે આ મામલે કડક પગલાં લેવાની રણનીતિ ઘડી હતી.

મળતી માહિતી મુજબ, બાતમીના આધારે સક્રિય થયેલી પોલીસ ટીમે પંચોની હાજરીમાં નિયમોનુસાર પૂર્વ તૈયારીઓ કરીને સંબંધિત ખેતર પર અચાનક દરોડો પાડ્યો હતો. રેઈડ કરતા પહેલાં પંચો સમક્ષ પોલીસકર્મીઓ, સરકારી વાહનો અને પંચોની અંગઝડતી કરવામાં આવી હતી, જેમાં એન.ડી.પી.એસ. એક્ટ સંબંધિત કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી. ત્યારબાદ પોલીસ કાફલાએ પ્રત્યક્ષ ખેતરમાં જઈને ઝીણવટભરી તપાસ હાથ ધરતા કપાસના છોડ વચ્ચે છુપાવીને ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ નજરે પડ્યા હતા. પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના છોડ તેમજ અગાઉ કાપેલા ગાંજાના છોડ મળીને કુલ 64 છોડ કબ્જે કર્યા હતા.

પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ ગાંજાના છોડનું કુલ વજન 62 કિલો 740 ગ્રામ જેટલું થાય છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 31 લાખ 7 હજાર આંકવામાં આવી છે. આ દરોડા દરમિયાન ગાંજાના જથ્થા ઉપરાંત ખેતરના દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડની નકલ, ૭-૧૨ અને ૮-અ ના ઉતારા, લાઈટબિલની પહોંચ તેમજ રૂ. 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી રાજુભા કાળુભા વાઘેલા સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તથા આ માદક પદાર્થ ક્યાં વેચવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કૃષિ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES