અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે છેલ્લા કેટલાક સમયથી ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તળાવો બનાવવાની કામગીરી દરમિયાન પશુઓ માટેની ગૌચર જમીન દબાઈ ગઈ હોવાનો દાવો ગ્રામજનો અને માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ જમીન પર ફેન્સિંગ અને અન્ય બાંધકામો થવાને કારણે મૂગા પશુઓ માટે ચરવા તથા પાણી પીવાની જગ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર મુદ્દે ગ્રામજનો અને સામાજિક કાર્યકરોએ કલેક્ટર કચેરી સમક્ષ મોરચો માંડીને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ અર્ધનગ્ન હાલતમાં આંદોલન કરવાની ચેતવણી આપતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. ગ્રામજનોના વ્યાપક વિરોધ અને આંદોલનની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી કલેક્ટરે તાત્કાલિક ધોરણે જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપી છે. વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૦ થી ૧૨ દિવસની અંદર વિવાદિત જમીનની માપણી કરી દબાણો ઓળખીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
તંત્ર દ્વારા સત્વરે સંતોષકારક પગલાં લેવાની ખાતરી અપાતા હાલ પૂરતું ગ્રામજનોએ તેમનું પ્રસ્તાવિત આંદોલન મોકૂફ રાખ્યું છે. જો કે, ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયમાં યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ચૂપ નહીં બેસે અને આ બાબતે અદાલતના દરવાજા ખખડાવીને કાનૂની લડત લડશે. ગૌચર બચાવવા માટે ગ્રામજનોની આ એકજુટતા અને મક્કમતાને કારણે હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની મીાંડે છે.
