બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીસને વર્તમાન સમયની સુરક્ષા વ્યવસ્થા અને ટેકનોલોજીના ઉપયોગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે તેમને ખાતરી છે કે તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે અને તેઓ સતત કોઈકનું નિરીક્ષણ હેઠળ જીવી રહ્યા છે. કોલેજકાળમાં જ્યોર્જ ઓરવેલની પ્રખ્યાત નવલકથા '૧૯૮૪' વાંચ્યા પછી પોતે એક મહિના સુધી તણાવમાં રહ્યા હોવાનું યાદ કરતા તેમણે જણાવ્યું કે તે સમયે રાજ્ય દ્વારા નાગરિકો પર રાખવામાં આવતી નજરના કાલ્પનિક ભયે તેમને ચિંતામાં મૂકી દીધા હતા. જોકે, આજની વાસ્તવિકતા એવી છે કે હવે તેમના જીવનમાં કોઈ રહસ્યો નથી રહ્યા અને સતત સર્વેલન્સ હેઠળ રહેવાની ટેવ પડી ગઈ હોવાથી હવે તેમને કોઈ તણાવ કે ડર નથી લાગતો.
આ ગંભીર આરોપ સાથે જ મુખ્યમંત્રીએ આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના પ્રભાવ વિશે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આજની ડિજિટલ દુનિયામાં માનવીની સ્વતંત્ર વિચારસરણી છીનવાઈ રહી છે અને વ્યક્તિ પોતાના નિર્ણયો જાતે લેવાને બદલે અન્ય કોઈના પ્રભાવ હેઠળ જીવી રહી છે. મોલ કે સુપરમાર્કેટમાં ફરતી વખતે કેમેરા દ્વારા નાગરિકોના ચહેરાના હાવભાવ, ગતિવિધિઓ અને પસંદગીઓનું એનાલિસિસ કરવામાં આવે છે. આ તમામ ડેટાના આધારે વ્યક્તિ જ્યારે બહાર નીકળે ત્યારે તેના ફોન પર પોતાની પસંદગીની ચીજવસ્તુઓની જાહેરાતોનો મારો ચલાવવામાં આવે છે, જે સાબિત કરે છે કે આપણી ખાણી-પીણી અને વિચારવાની ક્ષમતા પણ હવે ટેકનોલોજી દ્વારા નિયંત્રિત થઈ રહી છે.
પોતાના નિવેદનમાં કેન્દ્ર કે રાજ્ય કઈ એજન્સીઓ દ્વારા આ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તેનો સ્પષ્ટ ખુલાસો કરવાનું મુખ્યમંત્રીએ ટાળ્યું હતું, પરંતુ આજના સમયમાં ગોપનીયતાના હાંસિયામાં ધકેલાઈ જવાની વાસ્તવિકતા પર ભાર મૂક્યો હતો. જાસૂસી કરનારાઓને અસમંજસમાં મૂકવા માટે તેઓ ઘણીવાર ખોટી માહિતી આપતા હોવાની તેમણે રમુજી શૈલીમાં કબૂલાત પણ કરી હતી. 'ફ્રીડમ ટુ થિંક' નામના નવા પુસ્તકનો સંદર્ભ આપીને તેમણે ચેતવણી આપી હતી કે જો આ જ સ્થિતિ રહી તો ભવિષ્યમાં માનવ સ્વતંત્રતા સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ જશે અને વ્યક્તિગત નિર્ણયોનું કોઈ અસ્તિત્વ નહીં રહે.
