રાજકોટ શહેરના ઇતિહાસમાં સૌથી મોટા ગણાતા જંગલેશ્વર ડિમોલિશનની આડમાં આચરવામાં આવેલા લાખો રૂપિયાના કટકીકાંડનો મામલો હવે રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર દ્વારા આ મામલે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી, જેણે સતત છ મહિના સુધી ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ પોતાનો વ્યુહાત્મક અહેવાલ ગઇકાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે મનપાના સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણી અને સેન્ટ્રલ વર્કશોપના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એલ. શિંગાળા સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
એસઆઈટીના આ અહેવાલે મનપાના વિવિધ વિભાગોમાં ચાલતી મનમાની અને અનિયમિતતાઓની પોલ ખોલી નાખી છે. સાંસ્કૃતિક વિભાગના મેનેજર ઉનાવા દ્વારા મંડપ, વીડિયોગ્રાફી અને લાઈટીંગ જેવા કામોમાં બજારભાવ કરતાં અનેકગણા ઊંચા બિલ મંજૂર કરાવીને નાણાંની હેરાફેરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ, મનપાની પોતાની સિટી બસ હોવા છતાં સ્ટાફના આવાગમન માટે પ્રાઇવેટ ટ્રાવેલ્સને કોન્ટ્રાક્ટ આપીને નાણાં વેડફનાર ડેપ્યુટી ઇજનેર શિંગાળાની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે એક તરફ સેંકડો પરિવારો પોતાના ઘર ગુમાવીને ગમગીન માહોલમાં રડી રહ્યા હતા, ત્યારે બીજી તરફ આરોગ્ય અધિકારી ડો. વાંકાણી દ્વારા ટેન્ડર કે વહીવટી પ્રક્રિયા વિના જ કાજુકતરી અને રજવાડી ભોજનની ઝિયાફતો માણવામાં આવી હતી.
આ સમગ્ર કૌભાંડમાં મનપા દ્વારા અગાઉ ચૂકવાઈ ગયેલા બિલમાંથી પાંચ લાખ રૂપિયાની રિકવરી કરવા અને બાકી રહેલા અઢાર લાખ રૂપિયાના બિલ અટકાવી દેવા કડક આદેશો આપવામાં આવ્યા છે. જોકે, મનપાના કર્મચારીઓ અને શહેરીજનોમાં આ બાબતે ભારે ચર્ચા છે કે માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ અને અધિકારીઓને જ કસુરવાર ઠેરવવામાં આવ્યા છે, જ્યારે ગત ટર્મમાં વગર ટેન્ડરે આ તમામ કામોને મંજૂરીની લીલીઝંડી આપનાર તત્કાલીન 'સુપર મેયર' અને વહીવટી શાખાના મોભીઓની કોઈ જ જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી. અગાઉના ટીઆરપી અગ્નિકાંડની જેમ આ મામલે પણ માત્ર નાના માછલાઓ ફસાયા છે અને મગરમચ્છો આબાદ છટકી ગયા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.
