આજના આધુનિક યુગમાં જ્યાં લોકો મોંઘાદાટ વિદેશી શ્વાન કે બિલાડી પાળવામાં ગૌરવ અનુભવે છે, ત્યાં પંચમહાલના ગોધરા એટલે કે 'ગૌભૂમિ'માંથી ગૌસેવાનું એક અત્યંત અડગ અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. ગોધરાના વતની હાર્દિક દલવાડીને બાળપણથી જ પશુઓ અને વિશેષ કરીને ગાયો પ્રત્યે અનહદ લગાવ રહ્યો છે. ગત 14 જાન્યુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુંગનુર ગાય સાથેની તસવીરો અને વીડિયો જોયા બાદ તેમને આ દુર્લભ પ્રજાતિની ગાય વસાવવાની પ્રબળ પ્રેરણા મળી હતી. આ સંકલ્પને સાકાર કરવા માટે તેમણે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી વિશેષ પ્રયાસો કરીને આ ગાયોને ગોધરા પોતાના ફાર્મ અને ઘરે લાવ્યા છે.
શરૂઆતમાં જ્યારે હાર્દિકે ઘરમાં ગાય રાખવા અંગે પોતાના ધર્મપત્ની સમક્ષ વાત કરી, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘરમાં તેના ઉછેર તથા માવજતને લઈને અનેક ચિંતાઓ વ્યક્ત કરી હતી. પરંતુ, આ અતિ દુર્લભ પ્રજાતિની નાની ગાયો જ્યારે ઘરમાં આવી ત્યારે તે સમગ્ર પરિવારનો એક અભિન્ન અને વ્હાલો હિસ્સો બની ગઈ. પરિવારના બાળકોની વિશેષ ઈચ્છાથી આ બંને ગાયોનાં નામ 'રામ' અને 'સીતા' રાખવામાં આવ્યાં છે. આજે પરિસ્થિતિ એવી છે કે 'રામ' અને 'સીતા' નામ સાંભળતા જ આ ગાયો દોડીને પાસે આવી જાય છે અને પરિવારના સભ્યો તેમને નાના બાળકની જેમ ખોળામાં બેસાડીને બોટલથી દૂધ પીવડાવે છે તથા અદભુત પ્રેમથી તેમની સેવા-ચાકરી કરે છે.
મૂળ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાની આ પુંગનુર પ્રજાતિની ગાયોની ઊંચાઈ માત્ર અઢીથી ત્રણ ફૂટ અને વજન ૧૧૫ થી ૨૦૦ કિલોગ્રામ જેટલું જ હોય છે. કદમાં અત્યંત નાની હોવા છતાં આ ગાયોના ગુણો ખૂબ જ અદ્ભુત છે, જે દરરોજ એકથી ત્રણ લીટર દૂધ આપે છે જેમાં અંદાજે ૮ ટકા જેટલું ઊંચું ફેટ હોય છે. આ ગાયના દૂધ અને તેમાંથી બનતા ઘીમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલા છે, અને લોકવાયકા મુજબ તિરુપતિ બાલાજી મંદિરમાં પણ તેનો વિશેષ ઉપયોગ થાય છે. હાર્દિક દલવાડીનો આ અનોખો ગૌપ્રેમ આજના યુવાનોને આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને દુર્લભ દેશી ગૌવંશના જતનનો સાચો અને દીર્ઘદ્રષ્ટિવાળો સંદેશ પૂરો પાડે છે.
