JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

મહાનગરોમાં વધતી એકલતા વચ્ચે અંતિમ વિધિથી લઈને શ્રાધ્ધ કર્મ સુધીની પેઇડ સર્વિસ શરૂ થઈ

મહાનગરોમાં વધતી એકલતા વચ્ચે અંતિમ વિધિથી લઈને શ્રાધ્ધ કર્મ સુધીની પેઇડ સર્વિસ શરૂ થઈ
મહાનગરોમાં ભાગદોડ ભરેલી જીવનશૈલી અને વધતી એકલતાને કારણે હવે અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ કર્મ જેવી વિધિઓ માટે પણ પેઇડ સર્વિસ લેવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી અને મહાનગરોની વ્યસ્ત દિનચર્યાએ માનવીય સંબંધોના સમીકરણો બદલી નાખ્યા છે. પાછલી જિંદગીમાં એકલા રહેતા વડીલોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને પરિવાર સાથે રહેતા યુવાનો પાસે પણ સંબંધો માટે પૂરતો સમય નથી. આ સામાજિક વાસ્તવિકતા વચ્ચે દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા પિસ્તાળીસમા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં પ્રદર્શિત થયેલા 'મોક્ષ વોયેજ' નામના સ્ટોલે સૌનું ધ્યાન ખેંચ્યું છે. 'નમો ગંગે વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા શરૂ કરવામાં આવેલી આ સર્વિસ પ્રિયજનના મૃત્યુ સમયે પરિવારને અંતિમ સંસ્કારની ભાગદોડમાંથી મુક્તિ અપાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. હાલમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત આ સેવા અંતર્ગત મૃતદેહને સ્મશાન સુધી લાવવા માટે વાહન, ચાર કાંધ આપનાર વ્યક્તિઓ, પંડિત, પૂજા સામગ્રીથી માંડીને અસ્થિ વિસર્જન અને શ્રાધ્ધ કર્મ સુધીની તમામ જવાબદારી સંભાળવામાં આવે છે.

આ અનોખી સર્વિસના વ્યાપ અને લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકોએ તેમાં રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. કંપનીના ડિરેક્ટર વિશ્વ કંદર્પના જણાવ્યા અનુસાર, કેટલાક સંવેદનશીલ કિસ્સાઓમાં તો વડીલોએ પોતાના મૃત્યુ પછી સંતાનો પૂરતી સંભાળ નહીં રાખે તેવી ચિંતાથી જીવતેજીવ જ પોતાની અંતિમ યાત્રાની વ્યવસ્થા માટે અગાઉથી નોંધણી કરાવી દીધી છે. આ કંપની વિદેશમાં કે દેશના અન્ય સ્થળોએ મૃત્યુ પામનારા વ્યક્તિના પાર્થિવ દેહને સુરક્ષિત રીતે ભારત લાવવાની સુવિધા પણ પૂરી પાડે છે. સામાન્ય નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કંપનીએ રૂપિયા ૬,૦૦૦થી શરૂ કરીને રૂપિયા ૧.૫ લાખ સુધીના વિવિધ આર્થિક પેકેજો બજારમાં મૂક્યા છે, જેને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે.

શહેરના આંધળા અનુકરણ અને બદલાતા સામાજિક મૂલ્યો વચ્ચે આ પ્રકારની સેવાઓનું અસ્તિત્વમાં આવવું એ એક ગંભીર સામાજિક ચિંતનનો વિષય બન્યો છે. અગાઉના સમયમાં ખુશીના પ્રસંગો માટે ભાડેથી જાનૈયાઓ બોલાવવાની પ્રથાને સમાજે સમયની માંગ ગણીને સ્વીકારી લીધી હતી, પરંતુ હવે દુઃખના માહોલમાં પણ અંતિમ સંસ્કાર માટે ચાર કાંધ આપનારા માણસો ભાડે શોધવા પડે તે સ્થિતિ અત્યંત અસહજ અને વિચાર માંગી લે તેવી છે. પરિવારના સભ્યો દ્વારા પ્રેમ અને ભાવપૂર્વક થતી અંતિમ વિદાયનું સ્થાન હવે યાંત્રિક અને વ્યવસાયિક પેકેજો લઈ રહ્યા છે, જે ભવિષ્યના સમાજ માટે એક અલગ જ સામાજિક કટોકટી તરફ ઈશારો કરે છે.

લાઈફસ્ટાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES