ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન નહિવત્ વરસાદ નોંધાતા જિલ્લાના મોટાભાગના ડેમો અને જળાશયો ખાલીખમ થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો. જેથી નાગરિકોને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને જળસંકટ ઊભું ન થાય, તે માટે તંત્ર દ્વારા આગોતરા આયોજન રૂપે સૌની યોજનાનો સહારો લેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ યોજનાના માધ્યમથી જિલ્લાના જળાશયોમાં નર્મદા નદીના પવિત્ર નીર પહોંચાડવાની વ્યુહરત્નાત્મક પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
જામનગર શહેરની જળજરૂરિયાતો પૂરી પાડતા મુખ્ય એવા રણજીતસાગર ડેમમાં હાલ નર્મદાના પાણીનો વિપુલ જથ્થો સતત ઠલવાઈ રહ્યો છે. મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જો આ જ પ્રકારે નિયમિતપણે સૌની યોજના મારફત પાણીનો પુરવઠો મળતો રહેશે, તો આગામી ચોમાસાની ઋતુ એટલે કે જૂન મહિના સુધી જામનગરવાસીઓને પીવાના પાણીની હાલાકી નહીં ભોગવવી પડે. ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થવાથી જળ સંકટના કાળા વાદળો દૂર થયા છે અને નગરજનોમાં પણ રાહતની લાગણી ફેલાઈ છે.
પાણીના ઉપલબ્ધ જથ્થાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલની સ્થિતિ મુજબ નગરજનોને નિયમિત રીતે એકાંતરા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીના યોગ્ય અને વ્યાજબી વિતરણથી નાગરિકોને સુચારૂ રૂપે પૂરતું પાણી મળી રહે તે માટે તંત્ર સતત સક્રિય છે. રાજ્ય સરકારની સમયસૂચકતા અને સૌની યોજનાના સફળ અમલીકરણના કારણે જામનગરવાસીઓનું આગામી ઉનાળા અને ચોમાસાના પ્રારંભ સુધીનું જળ આયોજન સુરક્ષિત થઈ ગયું છે.
