જામનગર કલેક્ટર કચેરીમાં યોજાયેલી જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક ભારે ચર્ચાસ્પદ રહી હતી, જેમાં જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ઉપસ્થિત રહીને ખેડૂતો, માલધારીઓ અને સામાન્ય નાગરિકોના પ્રજાલક્ષી પ્રશ્નોનો અવાજ બુલંદ કર્યો હતો. ખાસ કરીને અછતગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાડી વિસ્તારો અને નેશમાં વસતા લોકો માટે પીવાના પાણીના ટેન્કરની વ્યવસ્થાનું આયોજન કરવા વિશે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન વર્ષ ૨૦૦૦ના જી.આર. મુજબ વ્યક્તિદીઠ ૩૦ લીટર પાણીની જોગવાઈ હોવા છતાં વાડી વિસ્તાર માટે હાલ કોઈ આયોજન ન હોવાનું સામે આવ્યું હતું, જેના પર ધારાસભ્યએ સરકારના આગામી પરિપત્રની રાહ જોયા વગર સ્થાનિક કક્ષાએ તાત્કાલિક ટેન્કરો શરૂ કરવા અને ખરાબ મોટરો રિપેર કરાવવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં પાણી ઉપરાંત અન્ય મહત્વના મુદ્દાઓ પણ સપાટી પર આવ્યા હતા, જેમાં લાલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા સાત મહિનાથી ડાયાલિસિસના દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ ન થવાના ગંભીર પ્રશ્નનો પણ સમાવેશ થાય છે. દર્દીઓને બહાર ખાનગી લેબમાં ધક્કા ખાવા પડતા હોવાની આ ગંભીર બાબતને ધ્યાને લઈ કલેક્ટર દ્વારા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને કડક સૂચનાઓ અપાઈ હતી. આ ઉપરાંત, જામજોધપુર તાલુકાના બાવીસી કોટડા ગામે ગામતળ નીમ કરવાની સ્થિતિ અને મફત પ્લોટ ફાળવણી માટેની ૬૭ જેટલી પડતર અરજીઓનો વહેલી તકે નિકાલ લાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી ગ્રામીણ જનતાને રાહત મળી શકે.
બેઠકના અંતે કૃષિ અને બેન્કિંગ ક્ષેત્રે પ્રવર્તતી અનિયમિતતાઓ સામે પણ લાલ આંખ કરવામાં આવી હતી. રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ ખેડૂતોને અપાતા રાહત દરના બિયારણ વિતરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરી યોગ્ય તપાસની માંગ કરાઈ હતી. તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા ખેડૂતોના પાક ધિરાણ પર બિનજરૂરી પ્રોસેસિંગ, ઇન્સ્પેક્શન અને માઈક્રો ઈન્સ્યોરન્સ ચાર્જ વસૂલવામાં આવતા હોવા સામે લીડ બેંક મેનેજર સાથે ઉગ્ર ચર્ચા કરી આ પઠાણી ઉઘરાણી તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.
