JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

રણજી ટ્રોફી: સૂર્યકુમાર યાદવની મુંબઈની ટીમમાંથી બાદબાકી, સિદ્ધેશ લાડને સોંપાઈ કમાન

Oct 07, 2026 | 10:16 | By JAMNAGAR MIRROR
રણજી ટ્રોફી: સૂર્યકુમાર યાદવની મુંબઈની ટીમમાંથી બાદબાકી, સિદ્ધેશ લાડને સોંપાઈ કમાન

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે હાલનો સમય પડકારજનક સાબિત થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણેય ફોર્મેટમાં નિયમિત સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા ભારતીય ટી-૨૦ ટીમના પૂર્વ સુકાની સૂર્યકુમારને હવે મુંબઈની ૧૬ સભ્યોની રણજી ટ્રોફી ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા છે. આગામી ૧૧ ઓક્ટોબરથી ચંડીગઢ સામે શરૂ થઈ રહેલા રણજી અભિયાન માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમમાં તેમની બાદબાકી થતાં ક્રિકેટ જગતમાં આશ્ચર્ય ફેલાયું છે.

જોકે, ૩૬ વર્ષીય આક્રમક બેટ્સમેન માટે ટીમમાં પુનરાગમનના દરવાજા સંપૂર્ણપણે બંધ થયા નથી. મુંબઈની ટીમમાં ફરી સ્થાન મેળવવા માટે તેમણે સ્થાનિક ક્લબ ક્રિકેટ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું ફોર્મ અને ફિટનેસ સાબિત કરવા પડશે. સફેદ બોલના ક્રિકેટમાં સૂર્યકુમારની સ્થિતિ હજુ પણ મજબૂત માનવામાં આવે છે. પસંદગીકારોએ સંકેત આપ્યા છે કે વર્તમાન સીઝનમાં રમાનારી ઘરેલું મર્યાદિત ઓવરોની ટૂર્નામેન્ટો માટે તેમના નામ પર ચોક્કસપણે વિચારણા કરવામાં આવશે.

રણજી ટ્રોફીની શરૂઆતની મેચો માટે મુંબઈની ટીમનું નેતૃત્વ અનુભવી બેટ્સમેન સિદ્ધેશ લાડને સોંપવામાં આવ્યું છે. આ ૧૬ સભ્યોની ટીમમાં સિદ્ધેશ લાડ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, આયુષ મ્હાત્રે, દિવ્યાંશ સક્સેના, મુશીર ખાન, સરફરાઝ ખાન, સુવેદ પારકર, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તામોરે (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયાન, અથર્વ અંકોલેકર, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા અને ઓમકાર તર્મલેનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈની આ સંતુલિત ટીમ પોતાના વિજયી અભિયાનનો પ્રારંભ કરવા સજ્જ બની છે.

LATEST ARTICLES