JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

નવરાત્રિમાં ટેટૂની ઘેલછા પડી શકે છે ભારે: અસુરક્ષિત રીતે ત્રોફાવવાથી હિપેટાઇટિસ જેવા જીવલેણ રોગનું ગંભીર જોખમ

Oct 07, 2026 | 08:47 | By JAMNAGAR MIRROR
નવરાત્રિમાં ટેટૂની ઘેલછા પડી શકે છે ભારે: અસુરક્ષિત રીતે ત્રોફાવવાથી હિપેટાઇટિસ જેવા જીવલેણ રોગનું ગંભીર જોખમ

નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ અને યુવા પેઢીમાં અવનવી ફેશન તથા શરીર પર આકર્ષક ટેટૂ ત્રોફાવવાનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનો ગરબાના રંગમાં રંગાવા માટે અત્યારથી જ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. જોકે ઉત્સાહ અને ફેશનની આ આંધળી દોડ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈપણ પ્રકારની તકેદારી વિના કે બિનઆરોગ્યપ્રદ સ્થળોએ ટેટૂ કરાવવાથી હિપેટાઇટિસ જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓનો ભોગ બનવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

ટેટૂ બનાવતી વખતે ત્વચામાં સોય વડે છિદ્રો પાડવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં વાપરવામાં આવતી સોય સંપૂર્ણપણે જંતુમુક્ત ન હોય તો ત્વચા પર ખંજવાળ, અતિશય બળતરા, ફોલ્લીઓ અને પરુ જેવી તકલીફો ઊભી થાય છે, જે આગળ જતાં કાયમી ડાઘામાં પરિણમે છે. આ ઉપરાંત સૌથી મોટો ખતરો સંક્રમિત લોહી દ્વારા ફેલાતા રોગોનો રહે છે. તબીબોના મતે ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઇટિસનો પ્રસાર દર અંદાજે ૩.૩૦ ટકા જેટલો ઊંચો નોંધાયો છે. ઘણી વખત નવી સોય વપરાતી હોવા છતાં, જો એક જ શાહીની ડબ્બીમાં વારંવાર સોય બોળવામાં આવે અને તેમાં અગાઉના સંક્રમિત વ્યક્તિના લોહીના કણો ભળી ગયા હોય, તો અન્ય સામાન્ય વ્યક્તિમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાય છે.

હિપેટાઇટિસ સીધો જ માનવ શરીરના મહત્વપૂર્ણ અંગ એવા યકૃત એટલે કે લીવર પર આક્રમણ કરે છે, જેના કારણે લાંબા ગાળે જીવનું જોખમ ઊભું થાય છે. આથી ટેટૂ કરાવતા પહેલા દરેક વ્યક્તિએ વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે. ટેટૂ કલાકાર સાધનોને જંતુમુક્ત કરવા ખાસ મશીનનો ઉપયોગ કરે છે કે નહીં, તે કામ કરતી વખતે નવા ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ પહેરે છે કે નહીં અને દરેક વ્યક્તિ માટે નવી સોય તથા અલગ શાહી વાપરે છે કે નહીં તેની કડક ખાતરી કરવી જોઈએ. તહેવારના ઉમંગમાં ક્ષણિક દેખાવ ખાતર પોતાના અમૂલ્ય સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ ન ખેડવા તબીબો સલાહ આપી રહ્યા છે.

LATEST ARTICLES