ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાર્ષિક રમતગમત મહોત્સવ એટલે કે ખેલ મહાકુંભનો આગામી ૮મી ઓક્ટોબરથી વડોદરા ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે આ મહોત્સવમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી રેકોર્ડબ્રેક ૭૬,૦૨,૧૭૮ જેટલા ખેલાડીઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. ગત વર્ષે નોંધાયેલા ૭૨,૫૭,૯૮૭ ખેલાડીઓની સરખામણીએ આ વખતે સાડા ત્રણ લાખથી પણ વધુ ખેલાડીઓનો વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦માં જ્યારે આ રાજ્યકક્ષાના રમતોત્સવની શરૂઆત થઈ હતી ત્યારે માત્ર ૧૬.૫ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની સરખામણીએ આજે યુવાનોમાં રમતગમત પ્રત્યે ભારે આકર્ષણ ઊભું થયું છે. આ વખતના મહોત્સવમાં કુલ ૭ વયજૂથમાં ૩૯ જેટલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશાળ રમતોત્સવના આયોજન અને સંચાલન પાછળ સરકારી તિજોરીમાંથી રૂ. ૧૦૦ કરોડથી પણ વધુનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રૂ. ૪૫ કરોડ જેટલી માતબર રકમ ઇનામ સ્વરૂપે ફાળવવામાં આવી છે. રાજ્યમાં વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ રમતો અને વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિકના સંભવિત આયોજનને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમત માળખું ઊભું કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ હેતુથી ચાલુ વર્ષના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે કુલ રૂ. ૧,૩૩૧ કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાંથી અધધ રૂ. ૧,૦૫૬ કરોડ માત્ર સ્ટેડિયમ અને સુવિધાઓ જેવા આંતરમાળખાકીય વિકાસ પાછળ વાપરવાની જાહેરાત કરાઈ છે.
જોકે, રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવા છતાં, જમીની સ્તરે ખેલાડીઓ તૈયાર કરવા પાછળ પૂરતું ધ્યાન ન અપાતું હોવાનો સૂર સ્પોર્ટ્સ વર્તુળોમાં ઉઠી રહ્યો છે. માળખાકીય વિકાસની તુલનાએ ખેલાડીઓના ઉચ્ચ કક્ષાના પ્રશિક્ષણ, યોગ્ય પોષણ અને માનસિક તાલીમ પાછળ ઓછું ધ્યાન અપાતું હોવાથી મોટા મંચો પર રાજ્યનું પ્રદર્શન હજુ પણ ચિંતાજનક રહે છે. તાજેતરની કોમનવેલ્થ રમતોમાં ગુજરાતનો એક પણ ખેલાડી મેડલ જીતી શક્યો નહોતો, જ્યારે એશિયન રમતોમાં પણ માત્ર શૂટિંગમાં બે મેડલ મળ્યા હતા. કરોડોના ખર્ચની સાથે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મળે તો જ વૈશ્વિક કક્ષાએ રાજ્યનું નામ રોશન થઈ શકશે.
