કેન્દ્ર સરકારના 'નશા મુક્ત ભારત' અભિયાનને વેગ આપવા અને વડોદરા જિલ્લામાંથી નશાના વેપારને જડમૂળથી ઉખડી નાખવા માટે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ એક વિશેષ અને સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો અને ડ્રગ્સના વેપારીઓ સામે લાલ આંખ કરીને માત્ર ચોવીસ કલાકના ટૂંકા સમયગાળામાં આ મેગા ડ્રાઈવ પાર પાડવામાં આવી હતી. પોલીસની આ અચાનક અને આક્રમક કાર્યવાહીથી નશો વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ મેગા ઓપરેશન દરમિયાન જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બાતમી અને સઘન ચેકિંગના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ડભોઈ, કરજણ, ચાણોદ અને વરણામા એમ ચાર મહત્વના સ્થળોએથી કુલ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં ૬ કિલોગ્રામથી વધુનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જપ્ત કરવાની સાથે અંદાજે ૩ લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આ સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ચાર કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
પકડાયેલા ચારેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખીને તેમની સામે સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો તેઓ કયા સ્થળેથી લાવતા હતા અને સ્થાનિક સ્તરે કયા કયા શખ્સોને આ જથ્થો પહોંચાડવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું મુખ્ય લક્ષ્ય આ ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચીને આખું નેટવર્ક નેસ્તનાબૂદ કરવાનું છે, જેથી ભવિષ્યમાં યુવાધન બરબાદ થતું અટકાવી શકાય.
