રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ઓમનગર સર્કલ પાસે ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રવજીભાઈ ભટ્ટી નામના 42 વર્ષીય યુવક સાથે સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગત તા. 29 ઓક્ટોબરના રોજ સુરેશભાઈની મોટી પુત્રી પ્રસુતિ અર્થે ઝનાના હોસ્પિટલમાં દાખલ હતી, જેની દેખભાળ માટે પરિવાર વ્યસ્ત હતો. આ દરમિયાન દવા ખરીદવા માટે સુરેશભાઈએ એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડ્યા હતા અને બાદમાં દીકરીના લગ્ન માટે બુક કરાયેલી ચણિયાચોળીની તારીખ બદલાવવા ગુંદાવાડી ગયા હતા. આ તમામ દોડધામ વચ્ચે સાયબર ગઠિયાઓએ અજાણ્યા રહીને તેમનો મોબાઈલ ફોન કંટ્રોલમાં લઈ લીધો હોવાની તેમને ખબર પણ નહોતી.
સાંજની સુમારે જ્યારે સુરેશભાઈની પત્નીએ ફોન કરીને પાવડરનો ડબો લાવવા કહ્યું, ત્યારે તેઓ કેનાલ રોડ પર આવેલા એક મેડિકલ સ્ટોર પર પહોંચ્યા હતા. ત્યાં દવાના બદલામાં ગુગલ પે દ્વારા પેમેન્ટ કરવાનો પ્રયાસ કરવા છતાં વ્યવહાર સતત નિષ્ફળ જઈ રહ્યો હતો. આ સમસ્યાનું કારણ જાણવા માટે જ્યારે તેમણે પોતાનો મોબાઈલ ફોન ચેક કર્યો, ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી આવેલો અંગ્રેજી ભાષાનો એક મેસેજ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મેસેજ મુજબ તેમના બેંક ખાતામાંથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એકસાથે 95,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા, જેના કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સુરેશભાઈ દ્વારા ક્યારેય પણ કોઈને પોતાનો વન-ટાઇમ પાસવર્ડ (OTP) આપવામાં આવ્યો ન હતો તેમજ ફોનમાં કોઈ શંકાસ્પદ એપીકે (APK) ફાઈલ પણ ડાઉનલોડ કરવામાં આવી ન હતી. છતાં પણ સાયબર માફિયાઓ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોબાઈલ હેક કરવામાં સફળ રહ્યા હતા. આ ઘટના બનતા જ સુરેશભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. સાયબર હેલ્પલાઇનમાંથી મળેલી પ્રાથમિક અરજીના આધારે તાલુકા પોલીસે અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ગુનો નોંધીને બેંક ખાતાની વિગતો અને આઈપી એડ્રેસના આધારે સઘન તપાસ શરૂ કરી છે.
