ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૭ ની આગામી મિની હરાજીને લઈને ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ હરાજી માટે દેશ-વિદેશના કુલ ૧,૨૨૦ ખેલાડીઓએ પોતાના નામની નોંધણી કરાવી છે. આ લિસ્ટમાં તાજેતરમાં જ અંડર-૧૯ એશિયા કપનું ટાઈટલ જીતનારી ભારતીય યુવા ટીમકનું પ્રતિનિધિત્વ કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓ પણ સામેલ છે, જેઓ આશા રાખી રહ્યા છે કે આઈપીએલ જેવી મોટી ફ્રેન્ચાઇઝી લીગમાં તેમને રમવાની તક મળશે. આ યુવા પ્રતિભાઓનું આગમન હરાજીને વધુ રોમાંચક બનાવશે.
સૌરાષ્ટ્રના યુવા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર મોહિત ઉલ્વાએ આ હરાજી માટે ૩૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે એન્ટ્રી કરી છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને અંતિમ બોલ પર એક વિકેટથી રોમાંચક વિજય અપાવવામાં મોહિતે અણનમ ૪૯ રનની અત્યંત મહત્વપૂર્ણ ઇનિંગ રમીને કમાલ કર્યો હતો. તેની આ શાનદાર મેચ વિનિંગ પર્ફોર્મન્સને કારણે તે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત, પૂર્વ ભારતીય દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને કાવ્યન પટેલે પણ ૩૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે પોતાનું નામ નોંધાવ્યું છે.
બીજી બાજુ, કેટલાક યુવા ખેલાડીઓએ આ હરાજીથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ, અંડર-૧૯ ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને મનલ ચૌહાણે આ વખતની હરાજી માટે નામ નોંધાવ્યું નથી. આમ છતાં, અંડર-૧૯ એશિયા કપના વિજેતા ખેલાડીઓનું આઈપીએલ મંચ પર આગમન ક્રિકેટ રસિયાઓમાં ભારે કુતૂહલ જગાવી રહ્યું છે અને ફ્રેન્ચાઇઝીઓ પણ યુવા પ્રતિભાઓને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઉત્સુક છે.
