અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનના કાઉન્ટર તરીકે કોંગ્રેસ દ્વારા શનિવારે ‘સંવિધાન રક્ષા માર્ચ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનની શરૂઆત પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે એક વિશાળ જાહેર સભાથી થઈ હતી. આ સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓએ ભાજપની નીતિઓ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું અને લોકશાહી તથા બંધારણની રક્ષા માટે પક્ષના મક્કમ નિર્ધારને દોહરાવ્યો હતો.
આ આંદોલન પાછળનું મુખ્ય કારણ મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયામાં કરોડો નાગરિકોના નામ ખોટી રીતે કમી કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો છે. કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાની સાથે તેમની ધરપકડ કરવાની પણ ઉગ્ર માંગ કરી છે. રાજીવ ગાંધી ભવનથી પાલડી ચાર રસ્તા સુધી યોજાયેલી આ માર્ચ દરમિયાન 'વોટ ચોર ગદ્દી છોડ'ના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ વિરોધમાં જોડાયા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી સહિતના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ચના પ્રારંભે અને સમાપન વેળાએ પાલડી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ એકસૂરે બંધારણની પ્રસ્તાવના (આમુખ) નું પઠન કરી દેશના સંવિધાનનું હરહંમેશ રક્ષણ કરવાના શપથ લીધા હતા.
