યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા પ્રારંભિક તબક્કાના સ્તન કેન્સરથી પીડિત ચોક્કસ પુખ્ત વયના દર્દીઓ માટે રોશે કંપનીની દરરોજ એક વખત લેવાતી મૌખિક દવા 'વિલ્સર્ડલી' (ગિરેડેસ્ટ્રન્ટ) ને અધિકૃત મંજૂરી આપવામાં આવી છે. શસ્ત્રક્રિયા પછી રોગ ફરીથી ઉથલો મારવાના મધ્યમથી ઉચ્ચ જોખમનો સામનો કરી રહેલા દર્દીઓ માટે આ દવા એક અત્યંત કારગર અને નવો ઉપચાર વિકલ્પ પૂરો પાડશે. કેન્સરના કાળા ડાઘ સામે લડી રહેલા દર્દીઓ માટે આ સમાચાર કોઈ મોટી રાહતથી કમ નથી.
આ મંજૂરીનું સૌથી મોટું આશ્ચર્ય અને મહત્વ એ વાતમાં છે કે વિલ્સર્ડલી માત્ર એક સામાન્ય ગોળી નથી, પરંતુ છેલ્લા વીસ વર્ષ કરતાં વધુ સમયગાળામાં પ્રારંભિક તબક્કાના સ્તન કેન્સર માટે આવેલી આ પ્રથમ નવી હોર્મોન થેરાપી છે. આ નવીન દવા હોર્મોન-સંવેદનશીલ સ્તન કેન્સરની સારવાર પદ્ધતિમાં ક્રાંતિકારી બદલાવ લાવવા માટે સક્ષમ છે. અગાઉ ઉપલબ્ધ ટેમોક્સિફેન અને એરોમાટેઝ અવરોધકો જેવા વિકલ્પોની સરખામણીમાં આ દવા દર્દીઓને વધુ અનુકૂળ મૌખિક વિકલ્પ પૂરો પાડે છે. અંતિમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ દરમિયાન આ દઈએ પ્રમાણભૂત હોર્મોન સારવારની સરખામણીએ આક્રમક કેન્સર પાછા આવવાના કે મૃત્યુ પામવાના જોખમને પૂરા ૩૦ ટકા સુધી ઘટાડી દીધું છે, જે તબીબી જગતમાં એક મોટી સિદ્ધિ ગણાય છે.
આ દવા ખાસ કરીને એસ્ટ્રોજન રીસેપ્ટર પોઝિટિવ અને એચઈઆર૨ નેગેટિવ સ્ટેજ ૧, ૨ કે ૩ ના સ્તન કેન્સરથી ગ્રસ્ત દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે, જેઓ સર્જરી બાદ રોગના પુનરાવૃત્તિ જોખમ હેઠળ છે. નોંધનીય છે કે સ્તન કેન્સરના કુલ કેસોમાંથી આશરે ૭૦ ટકા કેસ આ જ પેટા પ્રકારના હોય છે. નિષ્ણાતોના મતે, હોર્મોન રીસેપ્ટર પોઝિટિવ કેન્સરમાં જોખમ લાંબા સમય સુધી એટલે કે ૧૫ વર્ષ સુધી પણ ટકી શકે છે અને તે ઉકળતા અગ્નિ સમાન છે, જેને આ નવી દવા સમયસર અટકાવવામાં મદદરૂપ બનશે.
