JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

દેવગઢબારીઆ પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ: દેવામાં ડૂબેલા ખેડૂતોએ પાક વીમો અને ધિરાણ માફી આપવા કરી માંગ

Oct 07, 2026 | 02:56 | By JAMNAGAR MIRROR
દેવગઢબારીઆ પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ: દેવામાં ડૂબેલા ખેડૂતોએ પાક વીમો અને ધિરાણ માફી આપવા કરી માંગ

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકા સહિત સમગ્ર પંથકમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદની ભારે અછત સર્જાતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકામાં અપૂરતા અને અનિયમિત વરસાદના પરિણામે ખેતરોમાં લહેરાતા મકાઈ, ડાંગર, મગફળી, કપાસ, તુવેર, મગ, અડદ અને સોયાબીન સહિતના તમામ મહત્વના પાકો નિષ્ફળ જવાની આરે પહોંચી ગયા છે. મોંઘા ભાવના બિયારણો અને ખાતર નાખીને રાત-દિવસ એક કરીને ઉછેરેલી મોલાત પાણી વિના મુરઝાઈ જતાં ખેડૂતોને હવે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.

દેવગઢબારીઆ તાલુકામાં મોટાભાગની ખેતી સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં સારો પાક થવાની આશા બંધાઈ હતી, જેના પગલે તેમણે સામાન્ય વરસાદમાં સોયાબીન, શણ, બાજરી, જુવાર તેમજ બાવટો જેવા વિવિધ પાકોનું મોટા પાયે વાવેતર કર્યું હતું. શરૂઆતી સારો વરસાદ જોઈ ખેડૂતોને આ વર્ષે ચોમાસું ઉત્તમ જશે તેવી આશા હતી, પરંતુ ત્યારબાદ લાંબા સમય સુધી મેઘરાજાએ હાથ ખેંચી લેતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વરસાદના અભાવે ગામડાંના કુવાઓ, તળાવો અને નદીઓ પણ તળિયાઝાટક બની ગયા છે, જેથી પિયતની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા શક્ય રહી નથી.

ખેતી માટે ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ, પશુઓ માટે ખોળ, રાસાયણિક ખાતર, જમીન ખેડાણ અને ખેતમજૂરો પાછળ મોટો ખર્ચ કર્યો હતો. હવે પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં ખેડૂતો આર્થિક સંકટમાં ઘેરાઈ ગયા છે અને દેવામાં ડૂબી જવાની ભીતિ સેવાઈ રહી છે. સહકારી મંડળીઓ અને બેંકોમાંથી લીધેલા ખેત ધિરાણની રકમ કેવી રીતે ભરપાઈ કરવી તેની ચિંતા તેમને સતાવી રહી છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવી, પાકની સાચી આનાવારી નક્કી કરવામાં આવે તેમજ ખેડૂતોના હિતમાં પાક વીમો અને ખેત ધિરાણ માફી યોજના જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

LATEST ARTICLES