જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં માત્ર ૧૭૦ મકાનો અને ૭૦૦ ની આસપાસની વસ્તી ધરાવતા નાનકડા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કૌભાંડ જેવો મારો સામે આવ્યો છે. માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ મેળવેલી વિગતો મુજબ, આ ગામમાં માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં ૪૩૧ લગ્નો નોંધાયા હતા, જેનો વાસ્તવિક આંકડો હવે વધીને ૬૦૦ સુધી પહોંચ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. આટલી નાની વસ્તીમાં અસામાન્ય રીતે સેંકડો લગ્નોની નોંધણી થતાં સ્થાનિક સ્તરે અને વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રાજકોટના પડધરી પંથકના એક પરિવારએ પોતાની પુત્રીના લગ્નની શંકાસ્પદ નોંધણી અંગે તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ લગ્ન નોંધણીના કૌભાંડ પાછળ મોટું આર્થિક ઉપાર્જન થઈ રહ્યું હોવાની આશંકા છે. બહારગામથી આવતા યુવક-યુવતીઓ કે જેમણે ક્યારેય નાગપુરની મુલાકાત પણ લીધી નથી, તેમના નામે અહીં લગ્ન નોંધાવવામાં આવ્યા છે અને આ સેવા બદલ પ્રત્યેક યુગલ પાસેથી ૧૦ હજારથી ૨૫ હજાર રૂપિયા સુધીની તોતિંગ રકમ વસૂલવામાં આવતી હોવાની ચર્ચા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ તમામ લગ્નોની નોંધણીમાં એક કે બે જ વ્યક્તિઓ કોમન સાક્ષી તરીકે ઉપસ્થિત રહી છે. આ ઉપરાંત, લગ્ન સ્થળ તરીકે દર્શાવવામાં આવેલું મહાદેવ મંદિર પણ વાસ્તવમાં નાગપુરને બદલે અન્ય ગામનું હોવાનું બહાર આવ્યું છે, જેનાથી સમગ્ર પ્રક્રિયાના દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સની સત્યતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર પ્રકરણમાં ગામના સરપંચ, તેમના પિતા અને તલાટી-કમ-મંત્રીની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે, કારણ કે સરપંચનો મુખ્ય વસવાટ રાજકોટમાં હોવા છતાં રાજકોટ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુગલોના લગ્ન અહીં મોટા પ્રમાણમાં નોંધાયા છે. અગાઉ આ વિગતો ધ્યાને આવતા તલાટી પાસેથી ચાર્જ પરત લઈને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ બે મહિના વીતી જવા છતાં કોઈ અંતિમ અહેવાલ જાહેર થયો નથી. એટલું જ નહીં, જોડિયા, લાલપુર અને જામનગર તાલુકાના અન્ય કેટલાક ગામોમાં પણ ટૂંકાગાળામાં અસામાન્ય લગ્ન નોંધણીઓ થયાનું ખુલ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા માત્ર રજિસ્ટ્રારની તપાસ પૂરતી મર્યાદિત ન રહેતા, દરેક લગ્નના દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને યુગલોની સઘન ફોરેન્સિક તપાસ થાય તેવી લોકમાગ પ્રબળ બની છે.
