સોમવારની સવારે જર્મનીની રાજધાની બર્લિન સહિત બાડેન-વુર્ટેમબર્ગ, થુરિંગિયા, સેક્સોની-અન્હાલ્ટ અને રાઈનલેન્ડ-પેલાટિનેટ જેવા અનેક રાજ્યોની સેંકડો શાળાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. શાળાઓના સત્તાવાર ઈમેલ પર "ડિથ અવેટ્સ યુ" (તમારો મૃત્યુ રાહ જોઈ રહ્યું છે) શીર્ષક સાથેના જોખમી સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા. આ ઈમેલ મોકલનાર અનામી વ્યક્તિઓ દ્વારા શાળાના ભવનોમાં વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા હોવાનો અને તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એકલા બાડેન-વુર્ટેમબર્ગ રાજ્યમાં જ ૪૫૦થી વધુ શાળાઓને આવા ધમકીભર્યા સંદેશા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિસ્તારોની પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. જોકે, તમામ જગ્યાએ ઝીણવટભરી તપાસ હાથ ધર્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ ધમકીઓમાં કોઈ વાસ્તવિક જોખમ કે નક્કર આધાર નથી. આ ઈમેલો મોટે ભાગે એકસમાન જ હતા અને તે ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે. આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને જોતા શાળાઓને ખાલી કરાવવાની કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી ન હતી, છતાં કેટલીક શાળાઓએ સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
યુરોપભરમાં છેલ્લા કેટલાક સપ્તાહોથી શાળાઓને નિશાન બનાવીને આવી ખોટી ધમકીઓ આપવાના બનાવો સતત વધી રહ્યા છે. આ અગાઉ ઇટાલી, બ્રિટન, હંગેરી અને સર્બિયાની શાળાઓમાં પણ આવા જ હૉક્સ બોમ્બ થ્રેટ મોકલવામાં આવ્યા હતા, ઉપરાંત યુરોપિયન દેશોની ફ્લાઇટ્સ અને સુપરમાર્કેટ પર પણ સાયબર હુમલા અને ધમકીઓની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જર્મન પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આવા કૃત્યોથી જનમાનસમાં અસુરક્ષાની ભાવના ફેલાવનારા ગુનેગારોને શોધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.
