JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એચ-૧બી વિઝા પર કડકાઈથી અમેરિકી ઉદ્યોગને જ થશે નુકસાન, નવા સંશોધનમાં ખુલાસો

એચ-૧બી વિઝા પર કડકાઈથી અમેરિકી ઉદ્યોગને જ થશે નુકસાન, નવા સંશોધનમાં ખુલાસો
અમેરિકામાં એચ-૧બી વિઝાની નીતિઓ કડક કરવાથી માત્ર વિદેશી કર્મચારીઓ જ નહીં, પરંતુ અમેરિકી નાગરિકોની નોકરીઓ અને દેશની આર્થિક સ્પર્ધાત્મકતા પર પણ ખરાબ અસર પડી શકે છે.

અમેરિકામાં એચ-૧બી (H-1B) વિઝાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે 'કેટો ઈન્સ્ટિટ્યૂટ' દ્વારા કરવામાં આવેલા એક નવા સંશોધને સમગ્ર મુદ્દાને નવો જ વળાંક આપ્યો છે. આ અભ્યાસ મુજબ, વિદેશી ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોની નિમણૂક પર પ્રતિબંધો લગાવવાથી માત્ર સ્થળાંતરિત કર્મચારીઓની કારકિર્દી જ પ્રભાવિત નહીં થાય, પરંતુ તેનાથી અમેરિકી નાગરિકોની રોજગારીની તકો પર પણ સીધી આંચ આવશે. આ સંશોધનમાં હેજ ફંડ કંપનીઓની કામગીરી અને એચ-૧બી વિઝા મારફતે થતી નિમણૂકોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે જે કંપનીઓને વિઝા લોટરીમાં વધુ સફળતા મળી હતી, તેમનું રોકાણ પ્રદર્શન અન્ય કંપનીઓની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઉત્તમ રહ્યું હતું. આવી કંપનીઓએ ઓછી સફળતા મેળવનારી કંપનીઓની તુલનામાં વાર્ષિક જોખમ-સમાયોજિત વળતરમાં ૩.૨૮ ટકા જેટલું બહેતર પ્રદર્શન દાખવ્યું હતું. નિષ્ણાતોના મતે, આ વિદેશી કુશળ કર્મચારીઓ કંપનીઓની એકંદર ઉત્પાદકતા અને વ્યવસાયિક વિસ્તરણમાં અમૂલ્ય યોગદાન આપે છે. તેમની ઉપસ્થિતિથી નાણાકીય, વહીવટી અને અન્ય મહત્ત્વના ક્ષેત્રોમાં પણ પરોક્ષ રીતે રોજગારની નવી માંગ ઊભી થાય છે.

જોકે, આ સંશોધન માત્ર હેજ ફંડ ઉદ્યોગ પૂરતું સીમિત હોવા છતાં તે એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે કે એચ-૧બી વિઝા પરના કોઈપણ પ્રકારના કડક પ્રતિબંધો અમેરિકી કંપનીઓની વૈશ્વિક સ્પર્ધાત્મક ક્ષમતાને નબળી બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, હેજ ફંડ જેવી નાણાકીય સંસ્થાઓ મોટા રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરી શેરબજાર અને બોન્ડ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરતી હોય છે, જ્યાં કુશળ પ્રતિભાઓની સખત જરૂર હોય છે. તાજેતરના આંકડા મુજબ આ વિઝા માટે ભારતીયોની હિસ્સેદારી અંદાજે ૭૧ ટકા જેટલી રહી છે, ત્યારે આ નીતિગત ફેરફારો બંને દેશોના આર્થિક હિતો માટે અત્યંત ચિંતાનો વિષય બન્યા છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES