દિલ્હી ભાજપના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે સોમવારે સોશિયલ મીડિયા પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો એક નકલી વિડિયો વાયરલ થવાના મામલે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડીસીપીને સત્તાવાર પોલીસ ફરિયાદ સોંપી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાના નેતૃત્વ હેઠળના છ સભ્યોના પ્રતિનિધિ મંડળે આ મામલે યોગ્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધીને નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ વિડિયો પાછળ સક્રિય કોઈપણ સંગઠિત રાજકીય કે આર્થિક નેટવર્કની ભૂમિકા સામે આવે તો કડક કાર્યવાહી થવી જોઈએ.
આ સમગ્ર વિવાદની શરૂઆત રવિવારે ચંદીગઢ ખાતે યોજાયેલી એક જાહેરસભાથી થઈ હતી, જ્યાં નીતિન નવીને સંબોધન કર્યું હતું. ભાજપના નિવેદન મુજબ, તેમના અસલી વિડિયો સાથે છેડછાડ કરીને એઆઈ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક મિથ્યા અને ભ્રામક વિડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. ભારત-ચીન સંબંધો, પાકિસ્તાન, એસસીઓ સમિટ અને સ્વદેશી લડાકુ વિમાન તેજસ એમકે-૧ જેવા અત્યંત સંવેદનશીલ રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમણે ન કરેલા નિવેદનો તેમના નામે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હતા.
દિલ્હી ભાજપ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકશાહીમાં રાજકીય મતભેદો સ્વાભાવિક છે, પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને કોઈ નેતાના નામે ફેક સ્પીચ બનાવીને તેને અસલી તરીકે પ્રસારિત કરવી એ કોઈ પણ સંજોગોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. આ માત્ર રાજકીય ટીકા નથી પરંતુ દેશની સુરક્ષા, વિદેશનીતિ અને વ્યૂહાત્મક હિતો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જનતામાં ભ્રમણા ફેલાવવાનું મોટું કાવતરું છે. પાર્ટીએ કાયદાકીય પ્રક્રિયા દ્વારા આ આપત્તિજનક વિડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવવા અથવા બ્લોક કરવા માટે પણ દિશા નિર્દેશો માંગ્યા છે.
