અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઐતિહાસિક વૌઠા ગામે ગત 20 નવેમ્બરથી શરૂ થયેલા સુપ્રસિદ્ધ લોકમેળામાં હાલ ચારેય તરફ ઉત્સવપ્રિય માહોલ જોવા મળી રહ્યો છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભવ્ય પ્રારંભ થયેલ આ મેળો આગામી 25 નવેમ્બર સુધી ચાલનાર છે. સપ્તનદીના પવિત્ર સંગમસ્થાન અને ચકલેશ્વર મહાદેવના વિશાળ પટાંગણમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે. આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે તથા ભગવાનના દર્શન કરી મેળાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.
આ ઐતિહાસિક મેળામાં પરંપરાગત ધાર્મિક આસ્થાની સાથેસાથે આધુનિક મનોરંજનનું પણ સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેળાના સમગ્ર પરિસરમાં નાની-મોટી રાઇડ્સો અને ચકડોળો ધમધમી રહી છે, જેમાં બેસીને બાળકો અને યુવાનો રોમાંચ અનુભવી રહ્યા છે. રાત્રિના સમયે રંગબેરંગી લાઈટો અને ઝગમગતી રોશનીથી સમગ્ર વૌઠા પરિસર ઝળહળી ઉઠ્યું છે, જેના ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા દ્રશ્યો મેળાની ભવ્યતા અને નયનરમ્ય સુંદરતાની સાક્ષી પૂરે છે. આકાશમાં ફરતી રંગબેરંગી રોશનીવાળી રાઇડ્સ અને રોનકદાર માહોલ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વૌઠાનો આ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ તે પરંપરાગત વ્યાપાર અને લોક સંસ્કૃતિનું પણ પ્રતીક છે. આ મેળો ખાસ કરીને ગધેડા અને ઊંટના પશુ વેપાર માટે દેશભરમાં વિખ્યાત છે, જ્યાં મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે. મેળામાં ઉભા કરાયેલા વિવિધ બજારો, સ્વાદિષ્ટ ખાણીપીણીના સ્ટોલ્સ અને રમકડાંની દુકાનો પર લોકોની ભારે ભીડ અને ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. લોકડાયરા અને ભજન મંડળી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોએ મેળાના ઉત્સાહમાં વધુ વધારો કર્યો છે, જેના કારણે સમસ્ત મેળો હર્ષોલ્લાસ સાથે જીવંત બન્યો છે.
