JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ બેહાલ, છેલ્લા દાયકામાં રૂ. 480 કરોડની જમીનો વેચાઈ

રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ બેહાલ, છેલ્લા દાયકામાં રૂ. 480 કરોડની જમીનો વેચાઈ
રાજકોટ મનપા આવકના નવા સ્ત્રોતો ઊભા કરવામાં નિષ્ફળ રહેતા છેલ્લા ૧૦ વર્ષમાં ૪૮૦ કરોડની જમીનો વેચી ચૂકી છે, અને ચાલુ વર્ષે પણ તિજોરી તળિયાઝાટક થતાં નવા પ્લોટ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દાયકાથી આવકના નવા અને સ્થાયી સ્ત્રોતો ઊભા કરવાના પ્રયાસોમાં સતત નિષ્ફળતા મળી રહી છે, જેના પરિણામે તંત્રએ હવે મહામૂલી જમીનોના વેચાણને જ આવકનું મુખ્ય માધ્યમ બનાવી દીધું છે. સ્થિતિ એવી છે કે માત્ર છેલ્લા એક દાયકાના ટૂંકા ગાળામાં જ મહાપાલિકા દ્વારા અંદાજે ૪૮૦ કરોડ રૂપિયાની માતબર રકમની માલિકીની જમીનો વેચી નાખવામાં આવી છે. વર્ષ ૨૦૦૭માં ઓક્ટ્રોય નાબૂદ થયા બાદથી મનપા સ્વતંત્ર આવક ઊભી કરવામાં વામણી સાબિત થઈ છે અને સંપૂર્ણપણે રાજ્ય તથા કેન્દ્ર સરકારની ગ્રાન્ટો પર જ નિર્ભર બની ગઈ છે. આ સમયગાળા દરમિયાન તંત્રને સેલેબલ એફએસઆઈ સિવાય આવકનો અન્ય કોઈ નવો સ્ત્રોત મળ્યો નથી, જે પણ મોટે ભાગે માત્ર રિયલ એસ્ટેટ સેક્ટર પર જ આધારિત હોવાથી બજારમાં મંદી આવતા જ મનપાની આવકમાં મોટું ગાબડું પડી જાય છે.

તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં રજૂ થયેલા સવાલોના જવાબમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર હિતાર્થ એમ. આર્ય દ્વારા ચોંકાવનારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. વિગતો મુજબ, વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન મનપાના વેચાણ અર્થેના કુલ ૧૫ અનામત પ્લોટોનો જાહેર હરરાજી અને વેચાણ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની લેન્ડ ડિસ્પોઝલ પોલિસી-૨૦૦૨ અંતર્ગત વિશેષ કમિટી દ્વારા આ પ્લોટોનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવે છે. આ ૧૫ પ્લોટોના વેચાણથી મનપાને કાગળ પર કુલ ૪૮૦.૪૪ કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં તિજોરીમાં વાસ્તવિક રીતે ૩૦૪.૭૮ કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં પણ મહાપાલિકાની તિજોરી તળિયાઝાટક થઈ જતાં ફરી એકવાર કરોડો રૂપિયાની કિંમતના છ નવા પ્લોટોને વેચાણ માટે મૂકવાની ફરજ પડી છે. મહાનગરોનો વ્યાપ અને વિકાસદ દરરોજ વધી રહ્યો છે ત્યારે પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે મજબૂત આર્થિક દરકાર જરૂરી હોય છે, પરંતુ મનપા દ્વારા કાયમી આયોજન કરવાને બદલે સરકારી જમીનો અને અનામત પ્લોટો વેચીને ખાધ પૂરવાની આ નીતિ લાંબાગાળે નગરના વિકાસ માટે ચિંતાજનક સાબિત થઈ શકે તેમ છે. જો સમયસર વેપાર-ઉદ્યોગ કે અન્ય વ્યવસાયિક ક્ષેત્રોમાંથી સ્વતંત્ર આવકના સ્ત્રોત નહીં શોધાય, તો રાજકોટ મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં વધુ મોટાં આર્થિક સંકટોનો સામનો કરવો પડી શકે છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES