રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારે મોડી રાત્રિ સુધી મોબાઈલમાં વિડીયો ગેમ રમતા પોતાના ૧૩ વર્ષીય પુત્રને ઠપકો આપ્યો હતો, જે કિશોરના મનને લાગી આવતા તે વહેલી સવારે પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી તેણે પોતાની માતાને ફોન કરીને પોતે દ્વારકા તરફ જઈ રહ્યો હોવાની જાણ કરી હતી, જેના કારણે ચિંતામાં મુકાયેલા પરિવારજનો તાત્કાલિક રાજકોટ રેલવે સ્ટેશન પહોંચીને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બનાવની ગંભીરતાને પારખીને રેલવે પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ, એલ.સી.બી., જામનગર રેલવે પોલીસ અને આર.પી.એફ.ની સંયુક્ત ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની ચકાસણી સાથે ટેકનિકલ સર્વેલન્સ કામે લગાડ્યું હતું, દરમિયાન કિશોરે દ્વારકાની એક પાનની દુકાનેથી પોતાના નાનાજીને ફોન કરીને ઓનલાઈન રૂપિયા ૩૦૦ મંગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ચોક્કસ કડીના આધારે પોલીસે તે દુકાન અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોસતા બાળક બપોરના સમયે ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બેઠો હોવાની માહિતી મળી હતી. રાજકોટ રેલવે સ્ટેશન પર તૈનાત સર્વેલન્સ ટીમે રાત્રિના સમયે ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ સઘન ચેકિંગ હાથ ધરીને આ કિશોરને હેમખેમ શોધી કાઢ્યો હતો અને તેને સુરક્ષિત રીતે તેના વાલીના હવાલે કર્યો હતો.
બીજી બાજુ, જ્યારે પરિવારજનો બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે ફરજ પરના મહિલા એ.એસ.આઈ. કામિનીબેન મારણકાએ ગોદડું ઓઢીને સૂતા-સૂતા '૨૪ કલાક રાહ જુઓ' તેવું કહીને ગંભીર બેદરકારી દાખવી હતી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાબતની ગંભીર નોંધ લઈને પશ્ચિમ રેલવેના ડી.આર.એમ. યશપાલ જગાણીયા દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને બેદરકાર મહિલા એ.એસ.આઈ.ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બાળકના સુખદ મિલનથી ખુશ થયેલા પરિવારે રેલવે પોલીસની સતર્કતા અને ત્વરિત કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
