રાજકોટ શહેરમાં વર્ષોથી વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસો વાસ્તવિકતામાં લોકો માટે મુસીબત બની રહ્યા છે. તાજેતરમાં જ કોટેચા ચોકથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ચોક (ઢેબર રોડ) અને ભૂતખાના ચોક સહિતના વિસ્તારોમાં નવા ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યા છે. જોકે, આ સિગ્નલ એક્ટિવ થતાં જ ઢેબર રોડ અને બસપોર્ટને જોડતા મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને જ્યાં મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની દૈનિક અવરજવર રહે છે તેવા કોર્પો. ચોક ખાતે જ છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે અગાઉ જ્યારે ટ્રાફિક વોર્ડનની મદદથી મેન્યુઅલ નિયમન થતું હતું, ત્યારે આ રૂટ પર વાહનો સરળતાથી પસાર થતા હતા. પરંતુ હવે સિગ્નલ સિસ્ટમ શરૂ થતાં જ અહીં દિવસમાં અનેક વખત વાહનોની લાંબી કતારો લાગે છે અને વાહનોના થપ્પા લાગી જાય છે. આ ગંભીર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તંત્રએ મનપા રોડ અને લોધાવાડ ચોક આસપાસ ફરજિયાતપણે બેરીકેટ મૂકવા પડ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે અને ટેસ્ટિંગ બાદ પણ યોગ્ય આયોજન વિના સિગ્નલો શરૂ કરી દેવામાં આવતા ટ્રાફિક સમસ્યા ઉકેલાવાને બદલે અનેકગણી વધી ગઈ છે તેવી પ્રતિક્રિયા સ્થાનિક નાગરિકો આપી રહ્યા છે.
આ અંધાધુંધીભરી સ્થિતિની સીધી અસર લોધાવાડ ચોક, ભૂતખાના ચોક અને ઢેબર રોડ પર ધંધો કરતા વેપારીઓના રોજગાર પર પડી રહી છે. રસ્તાઓ પર મૂકવામાં આવેલા બેરીકેટના કારણે ગ્રાહકોની અવરજવર ઘટી છે અને વેપારીઓમાં પોતાના ધંધાને અસર થવાનો મોટો ભય સતાવી રહ્યો છે. જો પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર અને વ્યવહારુ રસ્તો વહેલી તકે નહીં કાઢવામાં આવે, તો બસપોર્ટ તરફ જતો આ મહત્વનો માર્ગ ભારે ગીચતા અને કાયમી ટ્રાફિક સમસ્યાનો ભોગ બની જશે તે નિશ્ચિત છે.
