JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટમાં તંત્રની ઘોર બેદરકારી: રોડથી પાંચ ઇંચ ઊંચી ગટરની કુંડીએ લીધો મહિલાનો ભોગ, માસૂમ પુત્ર માતાવિહોણો બન્યો

રાજકોટમાં તંત્રની ઘોર બેદરકારી: રોડથી પાંચ ઇંચ ઊંચી ગટરની કુંડીએ લીધો મહિલાનો ભોગ, માસૂમ પુત્ર માતાવિહોણો બન્યો
રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર રોડથી પાંચ ઇંચ ઊંચી ગટરની કુંડી અને અંધારાના કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૯ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાના તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઘટના બાદ કુંડીનું લેવલ સરખું કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરના અનેક માર્ગો પર ભૂગર્ભ ગટરની ટાંકીઓ અને તેના ઢાંકણાં જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો સતત જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. આવો જ એક હૃદયદ્રાવક બનાવ નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ નજીક બન્યો હતો, જ્યાં કાલાવડ રોડ પર આવેલા સરિતા વિહાર વિસ્તારમાં રહેતા કિશનભાઈ કેસરિયા અને તેમના પત્ની મિતાલીબેન (ઉં.વ. ૨૯) ગત ૬ તારીખે રાત્રિના સમયે હોટેલમાં જમવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ગ્રીનલીફ ગાર્ડન પાસે ભૂગર્ભ ગટરની કુંડી રોડના લેવલ કરતા પાંચેક ઇંચ ઊંચી હોવાથી અને તે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારું હોવાના કારણે તેમનું બાઈક ગટરની આ કુંડી સાથે અથડાઈ ગયું હતું.

બાઈક અચાનક કુંડી સાથે ભટકડાતા પાછળ બેઠેલા મિતાલીબેન ફંગોળાઈને નીચે પટકાતા તેમને માથા સહિતના ગંભીર ભાગોમાં ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને ત્વરિત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ આખરે મિતાલીબેને દમ તોડી દેતા હસતો-રમતો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો અને સંતાનમાં રહેલો એક નાનો માસૂમ પુત્ર માતાની મમતાથી વંચિત થઈ ગયો હતો. યુનિવર્સિટી પોલીસે આ માەમે હોસ્પિટલ ચોકીની સૂચનાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે સ્થાનિક રહીશોમાં મહાપાલિકાના બેજવાબદાર વહીવટી તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ જોખમી કુંડી અંગે અગાઉ અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. હંમેશા કોઈ નિર્દોષનો જીવ ગયા બાદ જ કુંભકર્ણની નીંદરમાંથી જાગતું તંત્ર આ અકસ્માત બાદ તરત જ હરકતમાં આવ્યું હતું અને તે કુંડીનું સમારકામ કરીને તેને રોડના લેવલ મુજબ સરખી કરી દીધી હતી. જો કે, મોડેથી જાગેલી આ પ્રશાસકીય કામગીરી કોઈનો છીનવાયેલો જીવ કે પરિવારનું દુઃખ પાછું લાવી શકતી નથી, પરંતુ આ ઘટનાએ તંત્રની લાપરવાહી સામે ગંભીર સવાલો જરૂર ઊભા કર્યા છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES