પોતાનું આશિયાનું હોય, સારી નોકરી મળે, લગ્ન થાય અને એક ખુશહાલ પરિવાર વસે તેવી ઈચ્છા આજની પેઢી એટલે કે જેન-ઝીના દિલમાં પણ છે, પરંતુ આ સપનાઓને પૂરા કરવાની સમયમર્યાદામાં મોટો બદલાવ આવ્યો છે. વર્તમાન સમયમાં વધતી મોંઘવારી, મકાનોની આસમાને પહોંચેલી કિંમતો અને નોકરીની અનિશ્ચિતતા વચ્ચે યુવાનો હવે આવેશમાં આવીને કોઈ પગલું ભરવાને બદલે પહેલાં આર્થિક રીતે મજબૂત બનવા પર ધ્યાન આપી રહ્યા છે. તેઓ પરિવાર કે સંબંધોથી દૂર નથી ભાગી રહ્યા, પરંતુ જીવનની મોટી જવાબદારીઓ ઉપાડતા પહેલાં પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગે છે. કરિયરની દોડધામ, પોતાની આઝાદી અને માનસિક શાંતિ વચ્ચે એક સંતુલન જાળવવું એ આજના યુવાનોની નવી પ્રાથમિકતા બની ગઈ છે, જેને કારણે તેમના મોટાભાગના નિર્ણયો પર 'મેય બી લેટર' એટલે કે થોડા સમય માટે સ્થગિત કરવાનો ટેગ લાગી ગયો છે.
ડેલોઈટ ઈન્ડિયા એન્ડ ગ્લોબલ જેન-ઝી એન્ડ મિલેનિયલ સર્વેના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે, જે મુજબ ભારતમાં ૫૪ ટકા જેન-ઝીએ આર્થિક કારણોસર જ પોતાના જીવનના મોટા નિર્ણયો હાલ પૂરતા ટાળી દીધા છે. આ સર્વે મુજબ ૩૭ ટકા યુવાનો આજે ઘર ખરીદવામાં અસમર્થ છે અને ૨૯ ટકા યુવાનો સતત આર્થિક અસુરક્ષા અનુભવી રહ્યા છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે ૨૦ ટકા યુવાનોને પોતાના રોજીંદા જરૂરી ખર્ચાઓ માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે, જ્યારે ૨૭ ટકા યુવાનો માટે બેરોજગારી એ સૌથી મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. આ માત્ર ભારત પૂરતી મર્યાદિત કહાની નથી, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ૫૫ ટકા યુવાનો આ જ પ્રકારની આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે, જે સીધી રીતે તેમના કરિયર અને રહેઠાણના વિકલ્પોને પ્રભાવિત કરી રહી છે.
બીજી બાજુ, યુએનએફપીએના વૈશ્વિક સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું છે કે ૭૦ ટકા યુવાનો લગ્ન કરવા અને ૯૦ ટકાથી વધુ યુવાનો બાળકોની ઈચ્છા ધરાવે છે, પરંતુ ૮૮ ટકા યુવાનો માને છે કે માતા-પિતા બનવા માટે પહેલા આર્થિક સુરક્ષા અનિવાર્ય છે. નિષ્ણાતોના મતે, યુવાનોની આવક સાથે તેમના ખર્ચાઓ પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને ભાડું, ઈએમઆઈ તેમજ લાઈફસ્ટાઈલના ખર્ચ તેમની બચતને સીધી અસર કરે છે. ફાઈનાન્શિયલ એડવાઈઝરોના જણાવ્યા અનુસાર, માત્ર સારો પગાર હોવો પૂરતો નથી પરંતુ સાચી આર્થિક સ્વતંત્રતા ઉત્તમ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટથી જ મળે છે, જેથી પહેલી કમાણીથી જ રોકાણ અને બચતની આદત પાડવી જરૂરી છે.
