JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રસોડામાં વપરાતું જૂનું ચોપિંગ બોર્ડ બની શકે છે ગંભીર બીમારીનું કારણ, જાણી લો FSSAI ની ચેતવણી

રસોડામાં વપરાતું જૂનું ચોપિંગ બોર્ડ બની શકે છે ગંભીર બીમારીનું કારણ, જાણી લો FSSAI ની ચેતવણી
રસોડામાં શાકભાજી કાપવા માટે વપરાતા પ્લાસ્ટિકના જૂના ચોપિંગ બોર્ડ પર પડેલા ચપ્પુના નિશાન ખાવામાં માઈક્રોપ્લાસ્ટિક અને હાનિકારક બેક્ટેરિયા પહોંચાડી શકે છે, જેનાથી સ્વાસ્થ્યને મોટું જોખમ પેદા થઈ શકે છે.

રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા સાધનો આપણી તબિયત પર સીધી અસર કરતા હોય છે, પરંતુ ઘણીવાર આપણે તેના પ્રત્યે બેદરકાર બની જઈએ છીએ. આવું જ એક સાધન એટલે શાકભાજી અને ફળો કાપવા માટેનું ચોપિંગ બોર્ડ, જે વર્ષો સુધી બદલ્યા વિના વાપરવામાં આવે છે. તેના પર ચપ્પુના સતત ઉપયોગથી ઊંડા નિશાન કે ખાંચા પડી જાય છે, જેને લોકો સામાન્ય ગણે છે. પરંતુ, અમેરિકાની નોર્થ ડકોટા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પ્લાસ્ટિકના બોર્ડ પર ચપ્પુ ચલાવવાથી કરોડો માઈક્રોપ્લાસ્ટિક કણો છૂટા પડીને સીધા આપણા ખોરાકમાં ભળી જાય છે. એક જ વર્ષમાં પ્લાસ્ટિકના બોર્ડમાંથી આશરે ૧.૪૫ કરોડથી લઈને ૭.૯૪ કરોડ જેટલા સૂક્ષ્મ કણો માનવ શરીરમાં પ્રવેશવાનું જોખમ રહેલું છે.

માઈક્રોપ્લાસ્ટિક ઉપરાંત આ જૂના અને તિરાડવાળા બોર્ડ્સ બેક્ટેરિયાનું ઘર બની જાય છે. બોર્ડની સપાટી પર પડેલી ઊંડી તિરાડોમાં 'ઈ-કોલાઈ' અને 'લિસ્ટેરિયા' જેવા જોખમી બેક્ટેરિયા સરળતાથી પાંગરે છે, જે સામાન્ય ધોવાથી પણ સાફ થતા નથી. આ બેક્ટેરિયા ખોરાક મારફતે પેટમાં જઈને ગંભીર બિમારીઓ અને ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દેશના ફૂડ રેગ્યુલેટર FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા નાગરિકો માટે વિશેષ સલાહારી જારી કરવામાં આવી છે. FSSAI મુજબ, જો બોર્ડની સપાટી વધુ ખરાબ થઈ ગઈ હોય અને તેને યોગ્ય રીતે સેનિટાઈઝ ન કરી શકાતું હોય, તો તરત જ તેને બદલી નાખવું હિતાવહ છે.

આ સ્વાસ્થ્ય જોખમથી બચવા માટે એન્વાયરનમેન્ટલિસ્ટ પ્રીતિ મહેશ અને નિષ્ણાતો દ્વારા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. કાચા અને રાંધેલા ખોરાક માટે હંમેશા અલગ-અલગ ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકના બોર્ડના વિકલ્પ તરીકે નક્કર લાકડું, વાંસ અથવા ફૂડ-ગ્રેડ એચડીપીઈ (HDPE) મટીરિયલના બોર્ડ પસંદ કરવા વધુ સુરક્ષિત છે. ઉપયોગ કર્યા બાદ બોર્ડને હંમેશા ગરમ પાણી અને સાબુથી બરાબર ધોઈને તડકામાં કે સૂકી જગ્યાએ સંપૂર્ણપણે સૂકવવા જોઈએ. જો બોર્ડ પર ઊંડી તિરાડો દેખાય કે તેની સપાટી ઉખડવા લાગે, તો તેને તુરંત બદલી નાખવું જ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES