અમેરિકાની એક ફેડરલ કોર્ટે શુક્રવારે ન્યૂયોર્કની ધરતી પર ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા કેસમાં દોષિત ઠરેલા ૫૫ વર્ષીય નિખિલ ગુપ્તાને ૨૩૫ મહિના એટલે કે લગભગ ૧૯ વર્ષ અને સાત મહિનાની લાંબી જેલની સજા સંભળાવી છે. સાઉથર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કના જજ વિક્ટર મારેરોએ અંદાજે ૮૦ મિનિટ સુધી ચાલેલી સુનાવણીના અંતે આ ચુકાદો આપ્યો હતો. ગુપ્તાએ આ વર્ષની શરૂઆતમાં જ ભાડેથી હત્યા કરાવવાના કાવતરા (મર્ડર-ફોર-હાયર) અને મની લોન્ડરિંગના ગુનામાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
કોર્ટની કાર્યવાહી દરમિયાન જેલના ગ્રે કલરના પોશાકમાં હાજર રહેલા નિખિલ ગુપ્તાએ અંગ્રેજીમાં છ મિનિટનું ટૂંકું નિવેદન આપીને પોતાના કૃત્ય બદલ શરમ અને પસ્તાવો વ્યક્ત કર્યો હતો. મહાત્મા ગાંધી, મધર ટેરેસા, નેલ્સન મડેલા અને માર્ટિન લ્યુથર કિંગના વિચારોને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ આ મહાન નેતાઓના આદર્શો પર જીવવા માંગતા હતા પરંતુ તેઓ પોતાના માર્ગથી ભટકી ગયા. ગુપ્તાએ પીડિત પન્નુ તરફ ફરીને લાગણીશીલ અવાજે કહ્યું કે તે પોતાના ભૂતકાળને બદલી શકતા નથી અને તેઓ પન્નુ તેમજ સમગ્ર સમુદાયની માફી માંગે છે.
સુનાવણી દરમિયાન પન્નુએ પણ લગભગ ૨૦ મિનિટ સુધી પોતાનું નિવેદન રજૂ કર્યું હતું, ત્યારબાદ જજે તેમને પ્રક્રિયા આગળ વધારવા માટે વાત સંક્ષિપ્તમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું છે કે નિખિલ ગુપ્તા તેની જેલની સજા પૂરી કર્યા બાદ અમેરિકામાંથી ડિપોર્ટેશન અને દેશનિકાલની પ્રક્રિયાનો સામનો કરશે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુપ્તાને કડક સુરક્ષા વચ્ચે કોર્ટરૂમમાંથી પાછા જેલ લઈ જવામાં આવ્યા હતા.
