આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ ૨૦૧૦માં થઈ હતી જ્યારે કેવિન અને ટેમી પેઈન્ટરે ટેક્સાસના ફ્રેન્કલિન કાઉન્ટીમાં લગ્ન કર્યા હતા અને બાદમાં તેમને એક સંતાન થયું હતું. વર્ષ ૨૦૧૯માં આ પરિવારે થાઈલેન્ડ સ્થળાંતર કર્યું હતું, પરંતુ તેના છ મહિના પછી જ ટેમી એકલા અમેરિકા પરત ફર્યા હતા, જ્યારે કેવિન છેલ્લા છ વર્ષથી થાઈલેન્ડમાં જ રહીને પોતાના સંતાનનો ઉછેર કરી રહ્યા છે. દરમિયાન, ટેમી દ્વારા ફ્રેન્કલિન કાઉન્ટીમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પગલે કાનૂની લડાઈ શરૂ થઈ હતી. કેવિનને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોવાને કારણે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ (ઝૂમ) દ્વારા જોડાવવા અને લેખિત પુરાવા રજૂ કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ નીચલી અદાલતે પ્રક્રિયાગત મુદ્દાઓને લઈને વિવાદો વચ્ચે કેસ આગળ ધપાવ્યો હતો.
ગયા વર્ષે ૨૦ નવેમ્બરના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન, ટેમીએ જ ખુદ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ટેક્સાસ સુપ્રીમ કોર્ટમાં કેવિનની અરજી પેન્ડિંગ છે, ત્યાં સુધી કેસ મુલતવી રાખવો જોઈએ. ટ્રાયલ જજ પણ આ વાત સાથે સહમત થયા હતા અને રેકોર્ડ પર સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ આ કેસને મુલતવી રાખે છે અને ટૂંક સમયમાં નવી તારીખ નક્કી કરવામાં આવશે. આ સુનાવણીમાં કોઈ સાક્ષીઓની ગવાહી લેવામાં આવી ન હતી અને ન તો કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આમ છતાં, ટ્રાયલ જજે કોઈ નવી કે અંતિમ સુનાવણી યોજ્યા વિના જ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એકતરફી ડિવોર્સ ઓર્ડર પર સહી કરી દીધી હતી, જેમાં લગ્નંત અને પ્રોપર્ટી વહેંચણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ એકતરફી અને નિયમ વિરુદ્ધના આદેશ સામે કેવિન પેઈન્ટરે અપીલ અદાલતમાં પાંચ અલગ-અલગ મુદ્દાઓ પર પડકાર ફેંક્યો હતો, જેમાં મુખ્ય દલીલ એ હતી કે કોઈ ડિવોર્સ ટ્રાયલ કે સુનાવણી જ થઈ નથી. ટેક્સાસની છઠ્ઠી અપીલ અદાલતે કેવિનની આ દલીલને માન્ય રાખી હતી, કારણ કે ટેક્સાસના કાયદા મુજબ માત્ર એક પક્ષની ગેરહાજરીથી છૂટાછેડાના દાવાઓ આપોઆપ સાચા માની શકાતા નથી; તેના માટે પૂરતા પુરાવા રજૂ કરવા અનિવાર્ય છે. ચીફ જસ્ટિસ સ્કોટ ઈ. સ્ટીવન્સે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે નીચલી કોર્ટે કોઈપણ સાક્ષી કે પુરાવા વિના સત્તાનો દુરુપયોગ કરીને આદેશ આપ્યો છે. આ કારણોસર અપીલ અદાલતે અગાઉનો ડિવોર્સ ઓર્ડર રદ કરીને આ સમગ્ર કેસ ફ્રેન્કલિન કાઉન્ટીની ટ્રાયલ કોર્ટમાં નવી સુનાવણી માટે પાછો મોકલી આપ્યો છે.
