રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા હેઠળ કાર્યરત ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ અટકાવવા માટે વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કડક ચેકિંગ દરમિયાન શહેરભરના વિવિધ વિસ્તારોમાં આવેલી ૯૩ જેટલી ખાદ્યપદાર્થોની પેઢીઓ પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ કાર્યવાહી દરમિયાન જામનગર રોડ પર આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી કેન્ટીન માન્ય ફૂડ લાયસન્સ વિના જ ધમધમતી હોવાનું સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સરકારી સિવિલ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનું જણાતાં તંત્ર દ્વારા કેન્ટીન સંચાલકને લાયસન્સ વગર વેપાર કરવા તેમજ અયોગ્ય સંગ્રહ કરવા બદલ તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કેન્ટીનમાંથી રાંધેલી દાળ, શાક, ભાત, સીંગતેલ, મરચું પાવડર, હળદર પાવડર અને ધાણાજીરું સહિત કુલ સાત ખાદ્યપદાર્થોના શંકાસ્પદ નમૂના લઈને પરીક્ષણ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલની કેન્ટીન સહિત અન્ય એકમોને પણ નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ પાઠવવામાં આવી છે.
આ સઘન ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વિવિધ રેસ્ટોરન્ટ, પિઝા સેન્ટર, નાસ્તાના સ્ટોલ અને દુકાનોમાંથી મળી આવેલો આશરે ૧૧૫ કિલો જેટલો વાસી, પડતર અને તારીખ વીતી ગયેલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. ગંભીર બેદરકારી, અસ્વચ્છતા અને યોગ્ય સંગ્રહના અભાવ બદલ કુલ ૨૨ જેટલી પેઢીઓને નોટિસ પાઠવીને સ્થળ પર જ રૂપિયા ૨૭,૦૦૦ નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આકરી કાર્યવાહીમાં ગ્રીન પાલક પંજાબી-ચાઇનીઝમાંથી ૫૨ કિલો વાસી સામગ્રી જપ્ત કરી દંડ કરાયો હતો, જ્યારે વિશ્વા ફૂડ્સ-ડ્રિઝલ્સ પિઝામાંથી ૨૩ કિલો અખાદ્ય જથ્થો મળતાં સૌથી વધુ દસ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત સ્લરિટ, સુરતી એગ મસ્તી, રવિકાંત વિંદ પાણીપુરી, નેશનલ ચાઇનીઝ તેમજ પટેલ ફરસાણ સામે પણ દંડાત્મક પગલાં લેવાયા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
