ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં એક મોટો અને આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર અને અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સુકાનીપદ છોડી દેવાની સત્તાવાર જાહેરાત કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય તેમના માટે અત્યંત મુશ્કેલ અને ભાવુક હતો. આ સફરમાં વર્ષોની યાદો, લાગણીઓ અને ત્યાગ જોડાયેલા છે, જે જીવનભર તેમની સાથે રહેશે. જોકે, સુકાનીપદ પરથી રાજીનામું આપ્યા પછી પણ તેઓ એક સક્રિય ખેલાડી તરીકે ભારતીય ટીમ માટે રમવાનું ચાલુ રાખશે.
આ નિર્ણય અચાનક લેવાયો હોવાનું જણાતું હોવા છતાં, તેની પૃષ્ઠભૂમિ ગુવાહાટી ખાતે યોજાયેલી ક્રિકેટ બોર્ડની એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં તૈયાર થઈ ચૂકી હતી. આ બેઠકમાં બોર્ડના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદાર, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, હરમનપ્રીતની વધતી ઉંમર અને ટી-૨૦ વિશ્વકપમાં ટીમના સામાન્ય પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમને નેતૃત્વમાંથી મુક્ત થવાનો સંકેત આપવામાં આવ્યો હતો. હરમનપ્રીત હવે ૩૭ વર્ષની ઉંમર તરફ આગળ વધી રહ્યા છે, તેથી ભવિષ્યના રોડમેપને ધ્યાને રાખીને આ પરિવર્તન અનિવાર્ય માનવામાં આવી રહ્યું હતું.
હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવા સહિત અનેક ઐતિહાસિક સફળતાઓ મેળવી છે. હવે ભારતીય ટીમ ભવિષ્યના મોટા લક્ષ્યાંકો, ખાસ કરીને આગામી મહિલા વિશ્વકપ અને ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટના સમાવેશને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું આયોજન કરી રહી છે. આ સંજોગોમાં ટીમના ઉપસુકાની અને સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાને નવું સુકાન સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં નવા સુકાનીના નામની સત્તાવાર જાહેરાત કરશે. હવે ક્રિકેટ ચાહકોની નજર એ વાત પર રહેશે કે સુકાનીપદના ભારણ વિના હરમનપ્રીત એક બેટર તરીકે કેવું પ્રદર્શન કરે છે.
