મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંડે દ્વારા જારી કરાયેલા આ નવા અને કડક આદેશ અનુસાર, હવે રાજ્યમાં કોઈપણ ફાર્મસી, જિમ, વેરહાઉસ કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફૂડ લાયસન્સ વગર હેલ્થ સપ્લીમેન્ટ્સ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન અને સ્પેશિયલ ડાયેટરી ફૂડ્સનું વેચાણ કરી શકાશે નહીં. આ નિયમ ઉત્પાદકોથી લઈને રિટેલર્સ સુધીની સમગ્ર સપ્લાય ચેઈન પર તત્કાલ અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વજન ઘટાડવાના ઉત્પાદનો, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન અને હર્બલ સપ્લીમેન્ટ્સમાં ગેરકાયદેસર સ્ટેરોઈડ્સ કે અન્ય પ્રતિબંધિત પદાર્થોની મિલાવટની શંકાના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત FDA દ્વારા પુણે, નાશિક, કોંકણ, નાગપુર, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર સહિતના છ વિભાગોમાં ૧૭ અલગ-અલગ જગ્યાએ સંકલિત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન એજન્સીએ રૂ. ૧,૩૮,૯૫,૮૫૨ ની કિંમતનો શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ જથ્થો જપ્ત કર્યો હતો. સૌથી વધુ રૂ. 57.30 લાખનો જથ્થો નાગપુરમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. તમામ જપ્ત કરાયેલા નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
નવા નિયમો મુજબ ઉત્પાદકો અને વિક્રેતાઓએ FSSAI નું યોગ્ય લાયસન્સ મેળવવું અનિવાર્ય છે, જેમાં સંબંધિત ફૂડ કેટેગરીનો ઉલ્લેખ હોવો જરૂરી છે. આ ઉપરાંત, ઉત્પાદનો પર કોઈપણ પ્રકારના ભ્રામક દાવા કરવા, જેમ કે રોગો મટાડવા કે ડોક્ટરો દ્વારા ભલામણ કરાયેલા હોવાના દાવા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો લાયસન્સ રદ કરવાથી લઈને રૂ. 10 લાખ સુધીનો દંડ અને ફોજદારી કાર્યવાહી સુધીના કડક પગલાં લેવામાં આવશે.
