ટોક્યો ખાતે યોજાયેલી 'રાયસીના ટોક્યો' પરિષદને સંબોધિત કરતા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જાપાન સમક્ષ ભારત સાથેના સંબંધોને ગાઢ બનાવવા માટે પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે જાપાની નેતૃત્વ અને ઉદ્યોગપતિઓને અપીલ કરી કે તેઓ સમય સાથે ભારતના બદલાતા સ્વરૂપને ઓળખે અને જૂની ધારણાઓમાંથી બહાર આવે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર)માં અભૂતપૂર્વ સુધારો થયો છે અને દેશનું આર્થિક તથા તકનીકી દ્રશ્યપટ ઝડપથી બદલાયું છે, જેને વૈશ્વિક સ્તરે સ્વીકારવું જરૂરી છે.
વિદેશ મંત્રીએ ભારતની વિશાળ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, વિકસતું ઘેરલું બજાર તેમજ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને નવીનતા (ઇનોવેશન) ક્ષેત્રે થયેલી પ્રગતિ વિશે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ભવિષ્યમાં ભારત અને જાપાન વચ્ચે સહયોગની અપાર સંભાવનાઓ રહેલી છે, જેમાં અદ્યતન મેન્યુફેક્ચરિંગ, સેમીકન્ડક્ટર્સ, ક્રિટિકલ મિનરલ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લીન એનર્જી અને ફાર્માસ્યુટિકલ્સ જેવા અત્યાધુનિક ક્ષેત્રો મુખ્ય કેન્દ્રમાં રહેશે. આ તમામ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાથી બંને અર્થવ્યવસ્થાઓને પરસ્પર મોટો ફાયદો થઈ શકે તેમ છે.
આર્થિક અને તકનીકી ભાગીદારી ઉપરાંત, જયશંકરે મજબૂત સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી તેમજ બંને દેશોના નાગરિકો વચ્ચેના આદાન-પ્રદાન (પિપલ-ટુ-પિપલ એક્સચેન્જ) પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત અને જાપાન વચ્ચેના ગાઢ સંબંધો માત્ર દ્વિપક્ષીય હિતો પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે ઈન્ડો-પૅસિફિક ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને બહુધ્રુવીય એશિયા તથા વિશ્વના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
