JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સોનાની ખરીદીમાં મોટું જોખમ: ચાઈનીઝ રેનિયમ પાવડરથી થઈ રહી છે અસલી સોનામાં ભેળસેળ

સોનાની ખરીદીમાં મોટું જોખમ: ચાઈનીઝ રેનિયમ પાવડરથી થઈ રહી છે અસલી સોનામાં ભેળસેળ
સોનાના દાગીનામાં વજન વધારવા માટે ચીનથી આયાત થતા 'રેનિયમ પાવડર'ની ભેળસેળ કરવાનો નવો કીમિયો સામે આવ્યો છે, જેના કારણે સામાન્ય તપાસ મશીનો અને હોલમાર્કિંગ સેન્ટરો પણ છેતરાઈ રહ્યા છે.

સોનાની ખરીદી હંમેશાં ભારતીય પરિવારો માટે સલામત રોકાણ અને આસ્થાનું પ્રતિક રહી છે, પરંતુ હવે બજારમાં સોનાની શુદ્ધતા સામે ગંભીર જોખમ ઊભું થયું છે. સોનાના દાગીનાનું વજન વધારીને મોટો નફો કમાવવા માટે ચીનથી મંગાવવામાં આવતા 'રેનિયમ પાવડર' જેવી ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ચીનના શેનઝેન સ્થિત એક એજન્ટે દાવો કર્યો છે કે સોનામાં ૨૫ ટકા સુધી આ પાવડર ભેળવવામાં આવે તો પણ સામાન્ય તપાસ પદ્ધતિઓ કે હોલમાર્કિંગ સેન્ટરો તેને પકડી શકતા નથી. રાજસ્થાનના જોધપુરમાં કરવામાં આવેલા એક પ્રયોગમાં પણ આ વાત સાબિત થઈ હતી, જ્યાં ૨૪ કેરેટ સોનામાં રેનિયમ પાવડર ભેળવ્યા બાદ પણ મશીનોએ તેને અસલી ગણાવ્યું હતું, પરંતુ વાસ્તવિક તપાસમાં તે માંડ ૨૦ કેરેટ (૮૧.૭૩ ટકા) જ નીકળ્યું હતું.

આ ભેળસેળ માત્ર રેનિયમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ઇન્દોરના સરાફા બજારના વેપારીઓએ રૂથેનિયમ, ઈરિડિયમ અને ઓસ્મિયમ જેવી અત્યંત સઘન ધાતુઓના ઉપયોગ સામે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ ધાતુઓની ઘનતા વધુ હોવાથી પરંપરાગત એસિડ અને ટચસ્ટોન પરીક્ષણો પણ નિષ્ફળ જાય છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે સરકારી દેખરેખની પોલ પણ ખુલ્લી પડી છે. કેગ (CAG)ના ડ્રાફ્ટ રિપોર્ટ મુજબ, ૨૦૨૪-૨૫ દરમિયાન દેશના ૮૧ ટકા નોંધાયેલા જ્વેલર્સનું નિરીક્ષણ થયું જ નથી અને ભારતીય માનક બ્યુરો (BIS) પોતાના નિરીક્ષણ લક્ષ્યાંકમાં ઘણું પાછળ રહ્યું છે. જોકે, BIS એ સ્ટાફની અછત અને ભૌગોલિક મુશ્કેલીઓનું બહાનું ધરીને પોતાની જવાબગીરીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે.

આ પ્રકારની અત્યાધુનિક ભેળસેળથી બચવા માટે હવે સામાન્ય ગ્રાહકોએ અત્યંત સતર્ક રહેવાની જરૂર છે. સામાન્ય મશીનો આ ભેળસેળ પારખવામાં નિષ્ફળ સાબિત થતા હોવાથી, શુદ્ધતા ચકાસવા માટે એક્સ-રે ફ્લોરોસેન્સ (XRF) વિશ્લેષણ અને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી જેવી અદ્યતન તકનીકોનો સહારો લેવો અનિવાર્ય બન્યું છે. નિષ્ણાતોના મતે, ગ્રાહકોએ હંમેશાં વિશ્વસનીય અને નામાંકિત જ્વેલર્સ પાસેથી જ હોલમાર્ક યુક્ત દાગીના ખરીદવા જોઈએ અને કોઈપણ સંજોગોમાં પાક્કું જીએસટી બિલ અચૂક સાચવી રાખવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ છેતરપિંડી ન થાય.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES