રોમમાં યોજાયેલા ભારત-ઇટાલી બિઝનેસ એન્ડ ઇનોવેશન ફોરમના પ્લીનરી સત્રને સંબોધિત કરતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતીય પ્રતિભા અને ઇટાલીના ઉદ્યોગ સાહસિકો એકબીજાની પૂરક શક્તિ બનીને ભવિષ્યનું મજબૂત અર્થતંત્ર ઘડી શકે છે. 'વિશ્વની ફાર્મસી' તરીકે ઓળખાતું ભારત અને ઇટાલીની બાયોફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની કુશળતા સાથે મળીને નવી દવાઓની શોધનો ખર્ચ ઘટાડી શકે છે. ભારતીય પ્રયોગશાળાઓ અને ઇટાલિયન કંપનીઓ વચ્ચેની આ ભાગીદારીથી સ્પેશિયાલિટિ કેમિકલ્સ અને અદ્યતન સામગ્રીના વિકાસમાં મોટો વેગ મળશે, જેનાથી વૈશ્વિક સ્તરે માનવજાતને મોટો ફાયદો થશે.
આ બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક સંભાવનાઓનો વ્યાપ વધારવા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે ફાર્મા ઉપરાંત ટેક્સટાઈલ, મેડિકલ ટેકનોલોજી, એગ્રીટેક, ઓટોમોબાઈલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં પણ પરસ્પરરોકાણની અખૂટ તકો રહેલી છે. બંને દેશો પરસ્પર વિશ્વાસના પાયા પર ઊભા રહીને હવે ન્યુક્લિયર ટેકનોલોજી ક્ષેત્રે પણ સંયુક્તપણે કામ કરવા તરફ આગળ વધી રહ્યા છે. આ ભાગીદારી માત્ર વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બંને દેશોના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જનારી સાબિત થશે જેની કોઈ મર્યાદા જ નથી.
આ સત્ર દરમિયાન ઇટાલીના નાયબ વડાપ્રધાન એન્ટોનિયા તાજાનીએ પણ ચીનના કાચા માલ (ક્રિટિકલ રૉ મટિરિયલ્સ) ક્ષેત્રના એકાધિકાર સામે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના વિકલ્પ તરીકે ભારત સાથે મજબૂત ભાગીદારીની તૈયારી દર્શાવી હતી. તેમણે સ્વચ્છ ઉર્જા અને ઓપરેશનલ લચીલાપણા માટે ભારતની ન્યુક્લિયર ઉર્જા ક્ષેત્રની પ્રગતિની પ્રશંસા કરી હતી અને ઇટાલી સરકાર આ ક્ષેત્રમાં પણ રોકાણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ સહયોગથી વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈનને મજબૂત કરવા અને સ્વચ્છ ઉર્જાના લક્ષ્યોને હાંસલ કરવામાં મોટી મદદ મળશે.
