રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના લુણાગરી અને કેરાળી ગામ વચ્ચે વહેતી ભાદર નદીમાં એક યુવકે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ શહેરના સુખનાથ ચોક પાસે રહેતા ૨૭ વર્ષીય સમીર હનીફભાઈ શેખ નામના આશાસ્પદ યુવકે કોઈ અકળ કારણોસર જેતપુર પંથક તરફ આવીને આ આંતિમ પગલું ભર્યું હતું. નદીમાં યુવકે ઝંપલાવ્યાની જાણ કોઈ જાગૃત નાગરિક દ્વારા તુરંત જ સ્થાનિક પોલીસને કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચીને પોલીસે સ્થાનિક ફાયર બ્રિગેડની મદદથી નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કાગળની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પેાસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટના અંગે પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
માત્ર ૨૭ વર્ષની વયના યુવકે અચાનક આ પ્રકારનું ખોટું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા આ મામલે આસપાસના લોકોની પૂછપરછ કરવાની સાથે સાથે વિવિધ દિશાઓમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. યુવાન દીકરાના અચાનક અને આકસ્મિક મૃત્યુને કારણે પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે અને સમગ્ર જૂનાગઢ તથા જેતપુર પંથકમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે.
