JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સાયલામાં ખનિજ ચોરી સામે તંત્રની લાલ આંખ, અંદાજે અઢી કરોડના મુદ્દામાલ સાથે ૧૪ ડમ્પર સીઝ

સાયલામાં ખનિજ ચોરી સામે તંત્રની લાલ આંખ, અંદાજે અઢી કરોડના મુદ્દામાલ સાથે ૧૪ ડમ્પર સીઝ
સાયલા તાલુકામાં બેફામ બનેલી ખનિજ ચોરી સામે પોલીસ બાદ હવે મહેસૂલ વિભાગ પણ સક્રિય બન્યું છે. એસડીએમ અને મામલતદારની ટીમે સુદામડા રોડ પર ઓચિંતી તપાસ હાથ ધરી રોયલ્ટી ભંગ કરતા વાહનો સામે કડક દંડનીય કાર્યવાહી કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદે ખનિજ ખનન અને પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલતી ખનિજ ચોરીની ફરિયાદોને ધ્યાને લઈને હવે પોલીસની સાથે-સાથે જિલ્લા રેવન્યુ તંત્ર પણ મેદાને આવ્યું છે. તા. ૧૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાયલા મામલતદાર આર. એન. ખોડભાયા અને એસડીએમની વિશેષ ટીમ દ્વારા સુદામડા રોડ પર સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓચિંતી કાર્યવાહીના પગલે ખનિજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

તપાસ દરમિયાન પાળીયાદ-સુદામડા રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા ૧૪ જેટલા ભારેખમ ડમ્પરોને રોકીને અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસ અને મહેસૂલ ટીમની કડકાઈ જોઈને અનેક ડમ્પર ચાલકો પોતાના વાહનો રોડ પર જ મુકીને અંધારામાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ ડમ્પરોમાં જે રોયલ્ટી પાસ રજૂ કરવામાં આવ્યા હતા, તેના કરતા અનેકગણા વધુ પ્રમાણમાં ગેરકાયદે ખનિજનું ઓવરલોડ પરિવહન થઈ રહ્યું હતું. આ ગંભીર બાબતને ધ્યાને લઈ તમામ ડમ્પરોને વજનની ખરાઈ માટે તાત્કાલિક મોકલી આપવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોતા મામલતદાર દ્વારા તાત્કાલિક ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવ્યા હતા, જેમણે રોયલ્ટી ભંગ અને ઓવરલોડિંગના નિયમો હેઠળ કાયદેસરની દંડકીય કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ડ્રાઇવમાં પકડાયેલા અંદાજે રૂ. ૨.૫૦ કરોડની કિંમતના વાહનો અને મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીના અહેવાલો વાયુવેગે પ્રસરતા જ સાયલા મામલતદાર કચેરી ખાતે ડમ્પર માલિકો, વાહનચાલકો અને ખાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓની ભારે ભીડ અને દોડધામ જોવા મળી હતી, જેણે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓમાં સ્પષ્ટ સંદેશો પહોંચાડ્યો છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES