JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં ૭મી ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઇન્ડ હમાસ કમાન્ડરનું મોત

ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં ૭મી ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઇન્ડ હમાસ કમાન્ડરનું મોત
ઈઝરાયેલે ગાઝામાં એક હવાઈ હુમલો કરીને હમાસના વરિષ્ઠ કમાન્ડર સમીર અબુ યુનિસને ઠાર કર્યો છે, જેણે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હુમલાનું આયોજન કર્યું હતું. હમાસની અલ-કાસમ બ્રિગેડે તેના કમાન્ડરના મોતની પુષ્ટિ કરી છે.

ઇઝરાયેલી સેના અને આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, ગાઝામાં શનિવારે મોડી સાંજે એક ચોક્કસ સૈન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનમાં હમાસની લશ્કરી પાંખના એક મુખ્ય નેતા અને રફાહ બ્રિગેડના કમાન્ડર સમીર અબુ યુનિસને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેનું આ હુમલામાં મોત નીપજ્યું હતું. આ હુમલો દક્ષિણ ગાઝાના ખાન યુનિસની પશ્ચિમે આવેલા અલ-માવાસી વિસ્તારમાં કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ સુરક્ષા સૂત્રો દ્વારા કરવામાં આવી છે. ગાઝાના સિવિલ ડિફેન્સના પ્રવક્તા મહમૂદ બસ્સાલે જણાવ્યું હતું કે ૫૩ વર્ષીય સમીર અબુ યુનિસનો મૃતદેહ એજન્સીને મળી આવ્યો છે અને આ હુમલામાં અન્ય બે વ્યક્તિઓ ઘાયલ પણ થયા છે.

હમાસના સશસ્ત્ર જૂથ અલ-કાસમ બ્રિગેડે ટેલિગ્રામ પર એક સત્તાવાર નિવેદન જારી કરીને પોતાના વરિષ્ઠ કમાન્ડરના મૃત્યુની પુષ્ટિ કરી છે. જૂથે ઈઝરાયેલની આ કાર્યવાહીને કાયરતાપૂર્ણ હત્યા ગણાવી હતી અને સ્વીકાર્યું હતું કે યુનિસ એવા મુખ્ય કમાન્ડરોમાં સામેલ હતા જેમણે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ઇઝરાયેલ પર થયેલા મોટા હુમલાનું આયોજન અને દેખરેખ રાખી હતી. ઈઝરાયેલ લાંબા સમયથી એવા નેતાઓની શોધમાં હતું જેમણે આ વિનાશક હુમલાની વ્યુહરચના ઘડી હતી, અને યુનિસનું મોત ઇઝરાયેલ માટે સૈન્ય દ્રષ્ટિએ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૨૫ના ઓક્ટોબરમાં થયેલા યુદ્ધવિરામ કરાર છતાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ યથાવત છે અને બંને પક્ષો એકબીજા પર યુદ્ધવિરામ ભંગ કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. યુએસ સમર્થિત યુદ્ધવિરામ બાદ મોટાભાગે લડાઈમાં ઘટાડો થયો છે છતાં ઇઝરાયેલી સેના દ્વારા ગાઝામાં નિયમિત હવાઈ હુમલાઓ ચાલુ જ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર યુદ્ધવિરામ પછીના સમયગાળામાં ૧૬૦૦ થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જ્યારે સામે પક્ષે ઇઝરાયેલી સેનાએ પણ પોતાના સૈનિકો અને નાગરિકો ગુમાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને વાટાઘાટો વચ્ચે ગાઝામાં બની રહેલી આ ઘટનાઓ મધ્ય પૂર્વની સ્થિતિને વધુ જટિલ બનાવી રહી છે.

LATEST ARTICLES